મુંબઈ : તા.1 જુન 2022,બુધવાર : સિંગર કેકેનાં અચાનક નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે.લોકો તેના જૂનાં જૂના ગીતો લૂપમાં પ્લે કરી રહ્યા છે.તેમાં સૌથી પસંદગીનું ગીત હમ દિલ દે ચુકે સનમનું તડપ તડપ કે ઈસ દિલ સે આહ નીકલતી રહી છે.એક સમયે ઇન્ડિયા કા બ્રેક અપ સોંગનો દરજ્જો પામી ચુકેલાં આ ગીતે કેકેને આજીવન પ્રસિદ્ધિ અપાવી.એક પણ કોન્સર્ટ એવું નહીં હોય જ્યાં કેકે પાસેથી આ ગીતની ફરમાઈશ ના થઈ હોય.પણ આ ગીતના મેકિંગની કથા પણ એટલી જ રસપ્રદ છે.પોતાના જન્મદિને જ કેકેના નિધનના સમાચારના કારણે ભારે આઘાતમાં સરી ગયેલા હમ દિલ દે ચુકે સનમના સંગીતકાર ઈસ્માઈલ દરબારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મૂળ આ ગીત હમ દિલ દે ચુકે સનમ માટે બન્યું જ ન હતું.એક મોટાં બજેટની ફિલ્મના પ્રોડ્યૂસરે આ ગીત માટે કવ્વાલી ગાયકોને લાવવા જણાવ્યું હતું.ઈસ્માઈલ દરબારે અડધો દિવસ કવ્વાલી ગાયકો પાસે ગવડાવ્યું પણ વાત જામી નહીં.ગીતના રચયિતા મહેબૂબે તેમને કેકેનો નંબર આપ્યો અને ત્યારે સાંતાક્રુઝથી બહુ ઝડપથી બાન્દ્રા પહોંચી ગયેલા કેકેએ ઈસ્માઈલ દરબારને મળીને આ ગીત સાંભળીને એટલું જ કહ્યું કે આ મારું કામ નહીં.હું આ ગીત નહીં ગાઈ શકું.
ઈસ્માઈલ દરબારના જણાવ્યા અનુસાર તેઓ કેકેની આ માસુમિયત અને પ્રમાણિકતા પર ફિદા થઈ ગયા અને કહ્યું કે આ ગીત હું તારી પાસે જ ગવડાવીશ.પરોઢે ચાર વાગ્યે કેકેએ આ ગીતનું રેકોર્ડિંગ કર્યું. ઈસ્માઈલે કેકેનું ગીત પ્રોડ્યૂસર સમક્ષ પેશ કર્યું તો પ્રોડ્યૂસરે એલફેલ બોલીને ઈસ્માઈલ દરબારની આ પ્રોજેકટમાંથી જ હકાલપટ્ટી કરી.પ્રોડ્યૂસરને કોઈ કવ્વાલ પાસે જ આ ગીત ગવડાવવાની ઈચ્છા હતી તેને ઉપરવટ જઈને ઈસ્માઈલ દરબારે કેકે પાસે ગવડાવ્યું તેનાથી તેઓ બહુ ગુસ્સે થયા હતા.ઈસ્માઈલ દરબાર પણ પ્રોડ્યૂસરને તમારામાં સંગીતની તમીઝ નથી એવું કહીને નીકળી ગયા.મોટાં બજેટની ફિલ્મ ગુમાવવાથી હાલત એવી હતી કે આ ગીતનાં પહેલાં રેકોર્ડિંગ માટે કેકેને ચૂકવવા તેમની પાસે પૈસા પણ ન હતા.પણ તેમણે કેકેને આશ્વાસન આપ્યું કે પોતાને જ્યારે પણ કોઈ ફિલ્મ મળશે અને આ ગીતનો ઉપયોગ નક્કી થશે ત્યારે તેઓ તેની પાસે જ ગવડાવશે.કેકેએ ત્યારે આ વાતને ફિલ્મી વચન કહી હસી કાઢી હતી.પરંતુ આશરે છ મહિના બાદ ઈસ્માઈલ દરબારને સંજય લીલા ભણસાલીને આ ગીત સંભળાવવાનો મોકો મળ્યો.સંજય લીલાએ એક-બે વાર નહીં પણ સળંગ નવ વખત આ ગીત સાંભળ્યું અમે તેઓ ખુશીથી ઈસ્માઈલને ભેટી પડ્યા અને કહ્યું મને મારી ફિલ્મનો મકસદ મળી ગયો.ફિલ્મના ઈન્ટરવલ અને એન્ડમાં શું લાવવાનું છે તેનો મને હવે ખ્યાલ આવી ગયો છે.એ પછી જે સર્જાયું તે ઇતિહાસ છે.કેકેએ હંમેશાં ઈસ્માઈલ દરબારને કહેતા કે તમે મારી પાસે બીજુ કોઈ ગીત ના ગવડાવતા. તમારાં આ એક જ ગીતે મને આજીવન ઘણું આપી દીધું છે.