દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલી તબલિગી જમાતની મસ્જિદ ખાતેથી સેંકડો જમાતીઓને આઇસોલેશનમાં મોકલાયા બાદ સમગ્ર દેશમાં વિખેરાઇ ગયેલા તબલિગી જમાતીઓને શોધીને ક્વોરન્ટાઇન કરવાની યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી પ્રક્રિયા અંતર્ગત ૨૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જારી કરેલા આંકડા અનુસાર મરકઝ મસ્જિદ ખાતે આયોજિત સમારોહમાં ભાગ લેનારા ૮૫૦૦ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તબલિગી જમાતના સભ્યો અને તેમના સંપર્કમાં આવેલા ૯૦૦૦ કરતા વધુ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે.જેમાં ૧૩૦૦ વિદેશીનો પણ સમાવેશ થાય છે.
બીજીતરફ યુપી સરકારે જમાત સાથે સંકળાયેલા ૧૩૩૦ લોકોની ઓળખ કરી છે. તેમાં ૨૫૮ વિદેશી છે.અત્યાર સુધીમાં ૯૭ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં ગુરુવારે ૨૭ જમાતીના કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી ૨૬ના ટેસ્ટ નેગેટિવ આવતાં સરકારને મોટી રાહત મળી હતી.
તેમાં ૨૪ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.આંધ્રપ્રદેશમાં ગુરુવારે સવારે વધુ ૨૧ જમાતીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં રાજ્યમાં દર્દીઓની સંખ્યા ૧૩૨ પર પહોંચી છે. દિલ્હીમાં આયોજિત જમાતમાં આસામના ૩૫૦ લોકોએ ભાગ લીધાનું અનુમાન છે.
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડ ખાતે તબલિગી જમાતના ઇજતેમામાં ભાગ લઇ પરત ફરેલા બે તબલિગીના કોરોના ટેસ્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતા. વધુ ૨૧ વ્યક્તિના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી અપાયાં છે.પૂણેથી ૧૮૨ જમાતીઓ દિલ્હીના ઇજતેમામાં સામેલ થયા હતા.
દિલ્હીની પોલીસે તબલિગી જમાત સાથે સંકળાયેલા ૮૧૬ લોકોને શોધી કાઢયા છે.તેમના મેડિકલ ટેસ્ટ થઇ રહ્યા છે.જરૂર પડયે મોટી સંખ્યામાં લોકોને આઇસોલેશનમાં મોકલવામાં આવશે. કર્ણાટકમાંથી ૧૫૦૦ તબલિગીએ દિલ્હીના ઇજતેમામાં ભાગ લીધો હોવાનું મનાય છે. સરકાર તેમની શોધ ચલાવી રહી છે.સરકારી આંકડા અનુસાર વિવિધ રાજ્યમાં પહોંચેલા તબલિગી જમાતના ૧૬ લોકોનાં મોત થયાં છે. જેમાં ૧૩ ભારતીય અને ૩ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
બિહારમાં ૭૦ વિદેશી ઝડપાયા
બિહારમાં મસ્જિદોમાં તપાસ દરમિયાન તબલિગી જમાતના ૭૦ વિદેશી ઉપદેશકો ઝડપાયા છે.તેઓ અહીં ગુપ્ત રીતે રહેતા હોવાની માહિતી સામે આવી છે.આ લોકોનો મરકઝ સાથે કોઇ સંબંધ નથી પરંતુ તેમણે દેશભરમાં પ્રવાસ ખેડયા છે.બિહારમાં સરકાર ૫૭ તબલિગી પ્રચારકોની શોધ ચલાવી રહી છે.
ડોક્ટરોની સલાહ માનો : મૌલાના સાદ
મૌલાના સાદની સાન કેસ નોંધાયા બાદ ઠેકાણે આવી ગઇ છે.અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયેલા મૌલાના સાદે જણાવ્યું હતું કે, તબલિગી જમાતના સભ્યો સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગર્દિશકાનું પાલન કરે અને મોટી સંખ્યામાં એકઠાં થવાનું ટાળે. વિશ્વમાં જે બની રહ્યું છે તે માનવજાતના અપરાધોના કારણે છે.આપણે ડોક્ટરોની સલાહ માનીને સરકારને સહકાર આપવો જોઇએ. તબલિગી જમાતના સભ્યો જ્યાં કંઇ હોય ત્યાં સરકારના આદેશોનું પાલન કરે.
નોઇડામાં ધાબા પર સામૂહિક નમાઝ, એકની ધરપકડ
ઉત્તરપ્રદેશના નોઇડામાં ધાબા પર સામૂહિક નમાઝ અદા કરી રહેલા લોકો સામે એફઆઇઆર દાખલ કરી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં નમાઝનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.