મુંબઈ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે કોર્સ પૂરો કર્યા બાદ એક વર્ષ માટે રુરલ સર્વિસ બોન્ડ(ગ્રામીણ ભાગમાં સેવા આપવી)ફરજિયાત રહેશે.તેમાં પેનલ્ટી એસ્કેપ રુટ રહેશે નહીં. કારણ એવું જોવા મળ્યું છે કે,સરકારી લાભ લઈ ભણ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ આપવાને બદલે સહજપણે ૧૦ લાખનો દંડ ચૂકવી ગ્રામીણ વિસ્તારમાં સેવા આપવામાંથી હાથ ઝાટકી લે છે,જે અયોગ્ય છે.
સરકારી અનુદાનિત સંસ્થા અને ખાનગી મેડિકલ કૉલેજમાં સબસિડી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓએ ૧૨ મહિના માટે તેમને અપાતાં ગ્રામીણ વિસ્તારમાં સેવા બજાવવી જરુરી છે,એવો આદેશ ૧૩મી જૂને સ્ટેટ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે.રાજ્ય સરકાર દર વર્ષે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે વિદ્યાર્થીઓને સબસિડી આપી કરોડોનો ખર્ચ કરે છે.આથી ગ્રામીણ ભાગના લોકોને પણ સારી સ્વાસ્થ્ય વિષયક સુવિધા મળે તે માટે આ વિદ્યાર્થીઓએ એક વર્ષ ગ્રામીણ ભાગમાં સેવા આપવી ફરજિયાત કરી છે.અને જો કોઈ વિદ્યાર્થી તેમ ન કરે તો તેમને દંડિત કરવામાં આવે છે.શિક્ષણ વિભાગ અને સરકારના ધ્યાનમાં એવું આવ્યું છે કે સબસિડી પ્રાપ્ત કરીને ભણનારા અનેક વિદ્યાર્થીઓ એમબીબીએસ થયા બાદ ૧૦ લાખનો દંડ ચૂકવીને સામાજિક જવાબદારી અને સેવાના ભાગરુપે ગ્રામીણ વિસ્તારમાં સેવા આપવાનો ઈન્કાર કરે છે,જે અયોગ્ય છે.આથી આ છટકબારી હવે બંધ કરવામાં આવી હોઈ તમામ વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં એક વર્ષ સુધી પોતાની સેવા આપવી જરુરી રહેશે.


