કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે દિલ્હીમાં તબ્લિગી જમાતના મર્કઝના આયોજન માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને જવાબદાર લેખાવતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અનિલ દેશમુખે આકરા પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. અનિલ દેશમુખે તબ્લિગી જમાતના મર્કઝના સ્થળે જવાના નૅશનલ સિક્યૉરિટી એડ્વાઇઝર અજિત ડોભલના કહેવાતા પગલાને વખોડતાં જણાવ્યું હતું કે ‘સંમેલનના સ્થળે જવાનું કામ દિલ્હીના પોલીસ કમિશનરનું છે કે નૅશનલ સિક્યૉરિટી એડ્વાઇઝરનું છે? વળી રાતે બે વાગ્યે એમને મર્કઝના સ્થળે કોણે મોકલ્યા? એવા વખતે એમણે તબ્લિગી જમાતના આગેવાન મૌલાના સાદ જોડે શી ગુપ્ત ચર્ચા કરી?’
એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખે કેન્દ્ર સરકાર પર તબ્લિગી જમાતને મર્કઝના આયોજન માટે પરવાનગી આપવા અને એ સમુદાયની જોડે સંબંધ રાખવાનો આરોપ મૂકતાં કેન્દ્ર સરકારને આઠ સવાલો કર્યા હતા.
કયા આઠ સવાલો કર્યા?
૧. નિઝામુદ્દિન પોલીસ સ્ટેશન મર્કઝના સ્થળથી સાવ નજીક હોવા છતાં કોરોના રોગચાળાના ભયને કારણે એ સંમેલન કેમ ન રોક્યું?
૨. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે તબ્લિગી જમાત મર્કઝ-ઇજતેમા યોજવાની પરવાનગી શા માટે આપી?
૩. આટલા મોટા પાયે મર્કઝનું આયોજન થાય અને એને કારણે કોરોનાનો રોગચાળો રાજ્યોમાં ફેલાય એ કેન્દ્ર સરકારની જવાબદારી નથી?
૪. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલને રાતે બે વાગ્યે મર્કઝના સ્થળે કોણે અને શા માટે મોકલ્યા?
૫. મર્કઝના સ્થળે જવાનું અજિત ડોભલનું કામ છે કે દિલ્હીના પોલીસ કમિશનરનું?
૬. અજિત ડોભલે મૌલાના સાદ જોડે શી ચર્ચા કરી?
૭. આ વિષયમાં અજિત ડોભલ કે દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવ શા માટે કંઈ બોલતા નથી?
૮. અજિત ડોભલને મળ્યા પછી મૌલાના સાદ ક્યાં રફુચક્કર થઈ ગયા? મૌલાના અત્યારે ક્યાં છે? તબ્લિગી જમાતના સભ્યો સાથે કોને સંબંધ છે?
ગયા સોમવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે દિલ્હીમાં તબ્લિગી જમાત મર્કઝ માટે પરવાનગી કોણે આપી? એવો સવાલ ઊભો કર્યો હતો.