ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં સંપૂર્ણપણે કેસરીયો છવાઇ ગયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઇ જાય તેવી સ્થિતિ છે જયારે રાજયમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીએ સુરતમાં સારો દેખાવ કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા,જામનગર,ભાવનગરમાં ફરી એક વખત ભાજપનું શાસન નિશ્ચિત થઇ ગયુ છે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે અમદાવાદમાં 76 બેઠકો પર વિજેતા અથવા સરસાઇ ધરાવે છે.કોંગ્રેસને 18 બેઠક અને સૌપ્રથમ વખત અમદાવાદમાં ચૂંટણી લડનાર અસુદુદીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમને ચાર બેઠકો પર સફળતા મળે તેવા સંકેત છે.અમદાવાદમાં 192 બેઠકોમાંથી ભાજપે અગાઉ જ એક બેઠક બીનહરીફ જીતી લીધી લીધી હતી અને 191 બેઠક પર મતદાન થયું હતું જયારે સુરતમાં ભાજપે 50 બેઠકો જીતીને સતા માટેની તૈયારી કરી છે. પણ ડાયમંડ સીટીમાં સૌથી મહત્વપૂર્ણ રીતે પાટીદાર વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ જબરૂ જોર બતાવ્યુ છે અને ઓછામાં ઓછી 15 બેઠકો પર તે વિજેતા જાહેર થાય તેવા સંકેત છે. જયારે કોંગ્રેસને 10 બેઠકોથી સંતોષ માનવો પડશે.રાજકોટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલા 12 વોર્ડના પરિણામોમાં કોંગ્રેસને હજુ ખાતુ ખોલાવાની પણ તક મળી નથી અને ભાજપ કલીનસ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.છેલ્લા સમાચાર મુજબ ભાજપે 48 બેઠકો પર વિજય વાવટો ફરકાવી દીધો છે અને 2015માં જે વોર્ડ ગુમાવ્યા હતા તે તમામ ફરી કબ્જે કરી લીધા છે.
સંભવત: ગુજરાતમાં રાજકોટ એવું મહાનગર બનશે કે જયાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પણ મહાપાલિકામાં જોખમમાં હશે.વડોદરામાં પણ 36 બેઠકો પર ભાજપ અને 9 બેઠકો પર કોંગ્રેસ આગળ છે.જામનગરમાં 23 બેઠકો પર ભાજપ, 4 બેઠકો પર કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો 4 બેઠકો પર આગળ છે.ભાવનગરમાં 30 બેઠકો ભાજપને ફાળે ગઇ છે અને 9 પર કોંગ્રેસ આગળ છે.આમ તમામ છ મહાપાલિકાઓમાં ફરી એક વખત ભાજપ સતા પર આવી ગયું છે.હાલની ચૂંટણીમાં ઓછા મતદાન અને અનેક મુદાઓ વચ્ચેના જંગમાં ભાજપે ફરી એક વખત શહેરી મતદારોને જીતવામાં સફળતા મેળવી છે અને તા.ર8ના રોજ રાજયમાં 31 જિલ્લા પંચાયતો સહિતની ચૂંટણીઓ યોજાશે તે સમયે આજના સમયના પરિણામની અસર ચોકકસ પડશે.આજે અમદાવાદમાં ભાજપનો વિજય ઉત્સવ શરૂ થઇ ગયુ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે આવતીકાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાનો છે તેમાં મોટેરા સ્ટેડિયમના ઉદઘાટનમાં સામેલ થનાર છે તેઓ આજે અમદાવાદ પહોંચી રહ્યા છે અને આજે ભાજપના વિજય સરઘસ સંમેલનમાં સામેલ થશે.