તળાજા : તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના ધાંધિયાને લઈ ધારાસભ્ય દ્વારા બે કલાકના ધરણાં કરવામાં આવ્યા હતા.સરકારી અધિકારીઓએ ધરણાં સ્થળે દોડી જઈ પાણી પ્રશ્ને વેદના સાંભળી પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.તળાજાના ગામડાઓમાં છેલ્લા એકાદ માસથી લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે.જેના કારણે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા-તાલુકા પંચાયતના ભસ્યો, કાર્યકરો વગેરેએ તળાજામાં ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સાંજે ચારથી છ કલાક સુધી બે કલાકના ધરણા કર્યા છે.જેને લઈ ડે.કલેક્ટર, મામલતદાર, જિલ્લા પાણી પુરવઠા અધિકારી સહિતનાઓએ દોડી જઈ લોકોના પ્રશ્નોને દોઢ કલાક સાંભળી તેનો ઉકેલ લાવવા ખાત્રી આપી હતી.આ તકે જિલ્લા પાણી પુરવઠા અધિકારી દીપાલીબેન ડામોરે એવી પણ વ્યથા ઠાલવી હતી કે, કેટલાક ગામોમાં પાણી ચોરી માટે દાદાગીરી કરી ગામના ટાંકામાં કેટલું પાણી છે ? તે પણ જોવા દેવામાં આવતું નથી.જ્યારે પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવાની હૈયાધારણાં મળી હોવા છતાં ધારાસભ્યએ ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપી જો પાણી સમસ્યા દૂર નહીં થાય તો ગ્રામજનો, સરપંચોને સાથે રાખી આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારી હતી.
તળાજા પંથકના ગામોમાં ઉનાળાની ઋતુમાં પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે.ત્યારે ધરણાંના ફળસ્વરૂપ પ્રશાસન દ્વારા ચાર દિવસના રોટેશન મુજબ એક-એક ગામોને પાણી આપવામાં આવશે અને દરેક ગામોને સમયપત્રક મુજબ પાણી મળી રહે તેવું આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે.વધુમાં પાણીની લાઈન તોડી પાણી ચોરી કરતા તત્ત્વો સામે આકરી કાર્યવાહી કરવાનું ડે.કલેક્ટર વિકાસ રાતડાએ જણાવ્યું હતું.