નવી દિલ્હી તા.30 : ભારતમાં એક તરફ ત્રણ મહિના સહિતના તહેવારોમાં મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટશે તે નિશ્ર્ચિત છે તે વખતે જ જમ્મુ સહિતના મંદિરોમાં ત્રાસવાદી હુમલાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં જ જમ્મુ તથા ઉત્તરપ્રદેશના મંદિરોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.પાકિસ્તાન સમર્પિત આતંકવાદી સંગઠન અને અફઘાનિસ્તાનના તાલીબાનોએ હાથ મિલાવ્યા બાદ આ સંગઠનોને નવી તાકાત મળી ગઇ હોવાનું તથા હથિયારો અને અન્ય સામગ્રી પણ મળી હોવાનું જાહેર થયુ છે.તે સમયે પાકિસ્તાન સમર્થીત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તથા લશ્કર-એ-તોયબા ફરી એક વખત પુરી તાકાતથી સક્રિય થવાની તૈયારીમાં છે.ખુફીયા એજન્સીને મળેલા ઇનપુટ મુજબ જમ્મુમાં તહેવારો દરમિયાન મોટો હુમલો થઇ શકે છે અને ખાસ કરીને અહીંના વિખ્યાત રઘુનાથ મંદિર,બાલે લાલી માતા મંદિર કે જયાં સામાન્ય રીતે તહેવારો દરમિયાન મોટી ભીડ સર્જાય છે તે સમયે હુમલો કરવાની શકયતા દર્શાવાઇ રહી છે.આ ઉપરાંત પાંચ ઓગષ્ટના રોજ કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદીની બીજી વર્ષ ગાંઠ છે અને તે સમયે પણ જમ્મુમાં હુમલાની શકયતા નકારાતી નથી.
પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફત જે રીતે સશસ્ત્રો અને દારૂ ગોળો કાશ્મીરમાં મોકલવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે તેની આડમાં જમીન માર્ગે પણ ઘૂસણખોરી કરીને શસ્ત્રો પહોંચાડાયા હોવાનું ખુલ્યુ છે.તો જમ્મુ વાયુ સેના સ્ટેશન આસપાસ તા.27 જુનના રોજ ડ્રોનથી એક વિસ્ફોટ થયો હતો તે પણ એક પ્રી-પ્લાન કવાયત હતી અને હાલમાં જ લશ્કર-એ-તોયબાના કમાન્ડર નદીમ અબરારને ઝડપવામાં આવ્યો હતો તેની પાસેથી પિસ્તોલ અને ગ્રેનેડ મળ્યા હતા તે પણ પાકિસ્તાન માર્કાના હતા અને તેથી જમ્મુ પોલીસ દ્વારા આ અંગે કરાયેલી તપાસમાં જમ્મુ ઉપરાંત ઉત્તરપ્રદેશના કેટલાક મંદિરો પણ ટાર્ગેટમાં હોવાનું જાહેર થયુ છે.

