કાબુલ : અફઘાનિસ્તાનમાં મહિલા અધિકાર કાર્યકર કાબુલના રસ્તાઓ પર તાલિબાન દ્વારા લાવવામાં આવેલા બુરખો પહેરવાના નવા ફરમાનનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી છે. તાલિબાનના ફરમાન હેઠળ મહિલાઓએ સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવો ફરજિયાત છે.આ ફરમાનનો વિરોધ કરતા કાર્યકરોને પણ તાલિબાન ધમકાવવા પર ઉતરી આવ્યું છે.ધમકી છતાં પણ મહિલાઓએ રાજધાનીના માર્ગો પર કૂચ કરી હતી અને આ ફરમાનની સામે ન્યાયની માંગ કરી હતી.પ્રદર્શન કરી રહેલી મહિલાએ જણાવ્યું હતું કે અમારે તાલિબાનના કઠોર વ્યવહારના સામનો કરવો પડી રહ્યો છે.તેમણે અમને જણાવ્યું છે કે જો અમે એક ડગલું વધીશું તો તે ૩૦ રાઉન્ડ ફાયર કરશે.તાલિબાન દ્વારા સાતમી મેના રોજ જાહેર કરવામાં આવેલા એક ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માથાથી લઈને પગ સુધી બુરખો પહેરે.
મોટાભાગની અફઘાની મહિલાઓ માથા પર સ્કાર્ફ બાંધે છે, પરંતુ કાબુલ જેવા શહેરીિ વિસ્તારોમાં કેટલીય મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકતી નથી.આ આદેશનો ભંગ કરવામાં આવ્યો તો મહિલાના પતિ કે પિતાને સજા કરવામાં આવશે.તેમને કેદ કરી શકાય કે નોકરીમાંથી કાઢી મૂકી શકાય છે.આ ફરમાનને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે.આ આદેશ પર ચર્ચા માટે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક થશે.અફઘાનિસ્તાન પર કટ્ટરવાદી તાલિબાને કબ્જો જમાવ્યા પછી પહેલા મહિલાઓ પર કોઈપણ પ્રકપ્નો પ્રતિબંધ લાવે નહી તેમ કહ્યા પછી તે ફરી ગયુ છે.હવે તે મહિલાઓ પર એક પછી એક પ્રતિબંધ મૂકી રહ્યું છે.પહેલા તેણે યુનિવર્સિટીઓ અને સ્કૂલોમાં સહશિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો.તેના પછી મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા પર મનાઈ ફરમાવી અને હવે તે મહિલાઓને બુરખો પહેરવાની ફરજ પાડી રહ્યુ છે.