કાબુલ તા. ૧૮ : અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકાર પડ્યા બાદથી દેશભરમાં તાલિબાનનું રાજ આવી ગયું છે.એકબાજુ તો તાલિબાન એવા બણગા ફૂંકી રહ્યું છે કે તે જૂની સરકાર માટે કામ કરનારા લોકોને માફ કરી દશે અને મહિલાઓને તેમના અધિકાર આપશે.ત્યારે બીજી બાજુ આ વચનો છતાં તેણે વિપક્ષી નેતાઓ અને મહિલાઓ વિરુદ્ઘ ક્રુરતા ચાલુ રાખી છે.
તાલિબાનની ક્રુરતાનું તાજુ ઉદાહરણ બલ્ખ પ્રાંતની એક મહિલા ગવર્નર સલીમા મઝારીને બંધક બનાવવા સંલગ્ન છે.કહેવાય છે કે તાલિબાને તેમને પોતાના વિરુદ્ઘ અવાજ ઉઠાવવાના પગલે કેદ કર્યા છે.હાલ તેઓ કયાં છે અને કયા હાલમાં છે તેની કોઈ જાણકારી નથી.
સલીમા મઝારી અફઘાનિસ્તાનના પહેલા મહિલા ગવર્નરોમાંથી એક છે.તેઓ થોડા વર્ષો પહેલા બલ્ખના ચાહત કિંત જિલ્લાના ગવર્નર ચૂંટાઈ આવ્યા હતા.ગત મહિને જ જયારે તાલિબાને એક પછી એક તમામ પ્રાંતો પર કબજો જમાવવાનો શરૂ કર્યો તો સલીમાએ ભાગવાની જગ્યાએ મુકાબલો કરવાનો નિર્ણય લીધો અને પકડાયા ત્યાં સુધી બંદૂક ઉઠાવીને પોતાના લોકોની રક્ષા કરી.જો કે તેમના જિલ્લાને તાલિબાને ઘેરી લીધા બાદ આખરે સરન્ડર કરવું પડ્યું.
સલીમા મઝારી મૂળ અફઘાનિસ્તાનના છે અને તેમનો જન્મ વર્ષ ૧૯૮૦માં એક રેફયૂજી તરીકે ઈરાનમાં થયો હતો. જયારે તેમનો પરિવાર સોવિયત યુદ્ઘથી ભાગી ગયો હતો. સલીમાનો અભ્યાસ ઈરાનમાં જ થયો છે.તેહરાન યુનિવર્સિટીથી ગ્રેજયુએશન કર્યા બાદ સલીમા મઝારીએ માતા પિતાને છોડીને અફઘાનિસ્તાન જવાનો નિર્ણય લીધો.જો કે તે પહેલા તેમણે અનેક યુનિવર્સિટીઝ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનમાં વિભિન્ન ભૂમિકા ભજવી હતી. ૨૦૧૮માં તેમને ખબર પડી કે ચારકિંત જિલ્લાના ગવર્નર પદની વેકન્સી છે અને આ તેમની માતૃભૂમિ પણ હતી. આથી તેમણે આ પદ માટે અરજી કરી.ત્યારબાદ તેઓ ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા.