નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ : અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ ફરી તાલિબાન સત્તામાં આવ્યુ છે અને લોકોમાં તેનો ડર સાફ દેખાઈ રહ્યો છે. 20 વર્ષ પહેલા જેમણે તાલિબાનનુ શાસન જોયુ છે તેમને ખબર છે કે, આતંક કોને કહેવાય અને તાલિબાન કેટલુ ખતરનાક છે.
ખાસ કરીને મહિલાઓમાં તાલિબાનનો ડર વધારે છે.તાલિબાને ભલે પોતાનો ઉદારવાદી ચહેરો આ વખતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોય પણ આમ છતા મહિલાઓ ઘરેથી એકલી નિકળવામાં ડરી રહી છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા વાપસી બાદ બુરખાની ડિમાન્ડ વધી ગઈ છે. જેના પગલે બુરખાના ભાવ પણ આસમાનને સ્પર્શી રહ્યા છે.
એક અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં બુરખાના ભાવમાં 10 ગણો ઉછાળો આવ્યો છે.તાલિબાનનુ જ્યારે 20 વર્ષ પહેલા શાસન હતુ ત્યારે મહિલાઓએ પગથી માથા સુધી શરીર ઢંકાય તે રીતે બુરખો પહેરવો પડતો હતો.મહિલાઓ પોતાના ઘરના પુરુષ સભ્ય સિવાય એકલી ઘરની બહાર નિકળી શકતી નહોતી. 2001માં તાલિબાન રાજ ખતમ થયા બાદ મહિલાઓની સ્થિતિ સુધરવા માંડી હતી.મહિલાઓને પુરુષોની જેમ કામ કરવાની પરવાનગી મળી હતી.
જોકે 20 વર્ષ બાદ હવે અફઘાન મહિલાઓ માટે ફરી ભૂતકાળ જેવી સ્થિતિ સર્જાવાના એંધાણ મળી રહ્યા છે.અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે અફઘાન મહિલાઓ તાલિબાન પર ભરોસો કરવા માટે તૈયાર નથી.કાબુલ પર તાલિબાનનો કબ્જો થયા બાદ માત્ર ગણી ગાંઠી મહિલાઓ રસ્તા પર દેખાઈ રહી છે. મહિલા ડોકટરો પણ ઘરની બહાર નિકળવા માંગતી નથી.

