અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પાછું ફર્યા બાદ મહિલાઓના અધિકારોને લઇ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ વધી ગઇ છે.તાલિબાની પ્રવકતાનું કહેવું છે કે મહિલાઓના અધિકારોને લઇ કોઇ ચિંતાની વાત નથી.મહિલાઓના અધિકારો અને સુરક્ષાને લઇ ચિંતા વધવી સ્પષ્ટ છે કારણ કે તાલિબાનના પાછલા શાસનની યાદો તમામને તાજી છે.આ દરમ્યાન મહિલાઓના ઘરેથી એકલા બહાર નીકળવા અને શિક્ષણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
હિજાબ પહેરીને કરી શકે છે અભ્યાસ અને નોકરી
તાલિબાનના પ્રવકતા સુહેલ શાહીને પશ્ચિમી દેશોના એ દ્રષ્ટિકોણનો કડક વિરોધ કર્યો જેમાં કહ્યું હતું કે મહિલાઓએ હિજાબ વગર શિક્ષણ પ્રાપ્ત કરવું જોઇએ.ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં સુહેલે કહ્યું કે આ સંસ્કૃતિનો બદલાવ છે.અમારી સંસ્કૃતિ…તે હિજાબ પહેરીને શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.તે હિજાબ પહેરીને કામ કરી શકે છે.ભવિષ્યમાં અમેરિકાની સાથે સંબંધોને લઇ પૂછવા પર સુહેલે કહ્યું કે આપણે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આપણે સકારાત્મક અને રચનાત્મક રીતે એક સાથે કેવી રીતે કામ કરી શકીએ છીએ જે બંને પક્ષોના હિતોમાં હોય.
અમે અમારી સંસ્કૃતિ બદલીશું નહીં
પ્રવકતાએ કહ્યું કે મહિલાઓના અધિકારોને લઇ કોઇ સમસ્યા થશે નહીં. તેમના અભ્યાસ તેમના કામને લઇ કોઇ સમસ્યા થશે નહીં. આપણે એક-બીજાની સંસ્કૃતિને બદલવાની કોશિશ કરવી જોઇએ નહીં.અમે અમારી સંસ્કૃતિને બદલવાનો ઇરાદો ધરાવતા નથી.તમારે અમારી સંસ્કૃતિ બદલવી જોઇએ નહીં. સુહેલે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસીને દેશના ઇતિહાસમાં ‘એક અધ્યાયનો અંત’ ગણાવ્યો.
આતંકી ગ્રૂપ હવે સરકાર બનાવાના પોતાના અંતિમ તબક્કામાં છે.સૂત્રો અને મીડિયા રિપોર્ટસ દાવો કરી રહ્યા છે કે તાલિબાનના કો-ફાઉન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદર નવી અફઘાન સરકારનું નેતૃત્વ કરી શકે છે.તાલિબાનના પ્રવકતાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે ગ્રૂપ શનિવારના રોજ સરકારની રચના કરશે.


