અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતાનો સિલસિલો થોભવાનું નામ લેતું દેખાતું નથી.કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠને અફઘાનિસ્તાનના પ્રખ્યાત કોમેડિયન નઝર મોહમ્મદ ખાશાની બર્બરતાથી હત્યા કરી નાંખી અને હવે આ ઘટનાને અંજામ આપતા પહેલા લેવામાં આવેલો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તાલિબાની નઝરને મારી રહ્યા છે.રિપોર્ટસના મતે આ દરમ્યાન નઝર પોતાની જિંદગીની છેલ્લી મજાક પણ કરે છે અને મરતા-મરતા તાલિબાનને જવાબ આપે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદથી દુનિયા આઘાતમાં છે.
નઝરના મોતના સમાચાર કેટલાંય દિવસથી સામે આવી રહ્યા હતા અને પરિવારે હત્યાનો આરોપ તાલિબાન પર મૂકયો હતો. હવે સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે એક ગાડીની અંદર બેસીને નઝરને કેટલાંય લાફા મારવામાં આવ્યા હતા.તેના હાથ બાંધ્યા હતા અને કેટલાંય તાલિબાનીઓએ તેને ઘેરી લીધો હતો.રિપોર્ટસના મતે ત્યારબાદ તેને ઝાડ સાથે બાંધી દીધો અને પછી ગળું રહેંસી હત્યા કરી નાંખી.એ સ્પષ્ટતા નથી થઇ કે અપહરણ કર્યા બાદ તેની હત્યા કયારે થઇ.
સ્થાનિક મીડિયાના મતે ગયા ગુરૂવારના રોજ નઝરને તેના ઘરની બહારથી લઇ જવામાં આવ્યો અને પછી આ ક્રૂરતા કરી.તે પહેલાં કંદહાર પોલીસમાં કામ કરતો હતો.વોશિંગ્ટન પોસ્ટના મતે નઝર તાલિબાનીઓની ચુંગલામાં ફસાવા છતાંય જરાય ડરતો નથી અને પોતાની જિંદગીની છેલ્લી મજાક કરે છે.તે કહે છે કે અપહરણકર્તાઓની મૂંછ પાછળની બાજુએ છે.
ઘટના બાદથી તાલિબાનની અમાનવીયતા પર આખી દુનિયા આઘાતમાં છે.આની પહેલાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાનો આરોપ પણ તાલિબાન પર લાગ્યો છે.બીજીબાજુ તેણે બંને આરોપોનું ખંડન કર્યું છે અને કહ્યું કે દાનિશ દુશ્મનના ખેમામાં હતો અને એ ખબર નથી કે તેને કોની ગોળી લાગી જ્યારે અફઘાન સેનાનો આરોપ છે કે તાલિબાને દાનિશના મૃતદેહ સાથે પણ બર્બરતા કરી હતી.