તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકાર બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે.તેની સાથે જ હવે તાલિબાન અલગ-અલગ દેશો સાથે સંપર્ક સાંધી રહ્યા છે.ગુરૂવારના રોજ તાલિબાનના નેતાઓએ ચીનના વિદેશ રાજ્ય મંત્રી સાથે વાત કરી.ચીને તાલિબાનને કાબુલમાં એમ્બસી ચાલુ રાખવાનો અને આર્થિક મદદ કરવાનો વિશ્વાસ વ્યકત કરાવ્યો છે.
તાલિબાનના પ્રવકતા સુહેલ શાહીન દ્વારા ટ્વીટ કરી આ અંગે માહિતી આપવામાં આવી.મળતી માહિતી પ્રમાણે તાલિબાનના રાજનીતિક ઓફિસના ડેપ્યુટી ડાયરેક્ટર અબ્દુલ સલામ હનફીએ ચીનના વિદેશ રાજ્ય મંત્રી વૂ જિઆનઘાઓની સાથે ફોન પર વાતચીત કરી છે. બંનેની વચ્ચે અફઘાનિસ્તાન-ચીનના સંબંધોને લઇ વાત કરી.આ વાતચીતમાં ચીનની તરફથી વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે તેઓ કાબુલમાં પોતાની એમ્બસી ચાલુ રાખશે.ચીનનું કહેવું છે કે અફઘાનિસ્તાન આ ક્ષેત્રના વિકાસ અને સુરક્ષા માટે અગત્યની ભૂમિકા નિભાવી શકે છે.ચીન તેની સાથે અફઘાનિસ્તાનમાં પોતાની તરફથી મદદ વધારશે, કોરોના સંકટને લઇ પણ ચીનની તરફથી મદદ કરાશે.
ચીન અને પાકિસ્તાન સતત તાલિબાનના સંપર્કમાં
આપને જણાવી દઇએ કે ચીન એ દેશોમાં સામેલ છે જેમણે તાલિબાન સાથે સૌથી શરૂઆતના સમયમાં વાત કરી હતી અને દુનિયાને અફઘાનિસ્તાનની સાથે સંબંધો બનાવી રાખવા માટે કહ્યું હતું.ચીન પહેલાં પણ જરૂર પડવા પર અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરવાનું વચન આપી ચૂકયું છે.તાલિબાનના કાબુલ પર કબજા પહેલાં જ ચીની વિદેશ મંત્રીએ તાલિબાનના નેતાઓની સાથે મુલાકાત કરી હતી.
તો બીજીબાજુ પાકિસ્તાનની તરફથી પણ નિવેદન આવી ચૂકયું છે કે તેઓ જ તાલિબાનના સંરક્ષક છે અને તાલિબાને પણ કહ્યું છે કે પાકિસ્તાન અમારું બીજું ઘર છે.આમ તાલિબાન,પાકિસ્તાન અને ચીનની આ મિત્રતા દુનિયા માટે નવી મુશ્કેલીઓ પેદા કરી શકે છે.