કાબુલ, તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : તાલિબાન મહિલાઓ પર એક બાદ એક કડક પ્રતિબંધો લાદી રહ્યુ છે.એક તરફ મહિલાઓ પોતાના હક માટે અવાજ ઉઠાવી રહી છે બીજી તરફ તાલિબાન તેમની સ્વતંત્રતાને છીનવી રહ્યુ છે.દરમિયાન તેણે વધુ એક નિર્ણય સંભળાવ્યો છે કે અફઘાનિસ્તાનના ઉત્તર-પશ્ચિમી હેરાત પ્રાંતમાં પરિવારો અને મહિલાઓનું બગીચા અને રેસ્ટોરન્ટમાં જવાનું પ્રતિબંધિત રહેશે.એક અધિકારીએ કહ્યુ કે તાલિબાને આ નિર્ણય ધાર્મિક વિદ્વાનો અને લોકોની ફરિયાદ બાદ લીધો છે.તેમનું કહેવુ છે કે આવા સ્થળોએ પુરૂષો અને મહિલાઓની સાથે-સાથે બેસવાની ફરિયાદ મળી રહી હતી.
નવા-નવા પ્રતિબંધો
વર્ષ 2021માં સત્તા સંભાળ્યા બાદથી જ તાલિબાન યુવતીઓ અને મહિલાઓ પર સતત પ્રતિબંધો લાદી રહ્યુ છે.તેણે પહેલા બાળકીઓ અને મહિલાઓના અભ્યાસ પર નિયમ લાગુ કર્યા.બાદમાં તેમના સંયુક્ત રાષ્ટ્રમાં નોકરી કરવા સહિત કેટલાક રોજગાર પર પ્રતિબંધ લગાવ્યો.એટલુ જ નહીં અફઘાનિસ્તાનમાં મહિલાઓનું પાર્ક અને જિમ જેવા જાહેર સ્થળો પર પણ જવુ પ્રતિબંધિત છે.
અધિકારીઓનું કહેવુ છે કે મહિલાઓ અને પુરૂષોની સાથે-સાથે બેસવા અને કથિતરીતે હિજાબ યોગ્યરીતે ના પહેરવાના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ પ્રતિબંધ માત્ર હેરાતમાં મહિલાઓ માટે લાગુ છે,જ્યારે આવા પરિસર પુરૂષો માટે ખુલ્લા રહેશે.
હેરાતમાં એક અધિકારીએ રિપોર્ટનું ખંડન કર્યુ છે,જેમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે મહિલાઓને તમામ રેસ્ટોરન્ટમાં જવાની મનાઈ કરી દેવાઈ છે.તેમનુ કહેવુ છે કે આ પ્રતિબંધ તમામ રેસ્ટોરન્ટ પર લગાવવામાં આવ્યા નથી.આ માત્ર પાર્ક જેવા ભીડભાડ વાળા વિસ્તારોના રેસ્ટોરન્ટ પર લાગુ થાય છે,જ્યાં પુરૂષ અને મહિલાઓ મળી શકે છે. અન્ય અધિકારીએ જણાવ્યુ કે હેરાતમાં એક પાર્કને રેસ્ટોરન્ટનું નામ આપી દેવાયુ હતુ,જ્યાં પુરૂષ અને મહિલાઓ એક સાથે બેસી શકતા હતા.અમારા ઓડિટર તે તમામ પાર્કોનું નિરીક્ષણ કરી રહ્યા છે જ્યાં પુરૂષ અને મહિલાઓ જાય છે. એવા સ્થળોએ પ્રતિબંધ લગાવવામાં આવશે.