નવી દિલ્હી,તા.20 ઓગસ્ટ : અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થઈ ગઈ છે અને હજારો લોકો એવા છે જે ગમે તે રીતે દેશ છોડીને જવા માંગે છે.રાષ્ટ્રપતિ અશરફ ગની ભલે દેશ ચોડીને ભાગી ગયા હોય પણ અફગાનિસ્તાનમાં હજારો લોકો એવા પણ છે જેમણે તાલિબાનનો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા માંડ્યો છે.દેશના અલગ અલગ વિસ્તારોમાં તાલિબાન સામે દેખાવો થઈ રહ્યા છે. 19 ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અલગ અલગ પ્રાંતોમાં લોકોએ રાષ્ટ્ર ધ્વજ સાથે રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા.
ગુરૂવારે કાબુલ એરપોર્ટ પાસે મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યુ હતુ અને તાલિબાન રાજનો વિરોધ કર્યો હતો.આ દરમિયાન તાલિબાનના આતંકીઓએ લોકોને હટાવવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેખાવો કર્યા હતા. અહીંયા 24 કલાક માટે તાલિબાનને કરફ્યુ લગાવવાની ફરજ પડી હતી.અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલા પ્રદર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ વાત એછે કે, તાલિબાન સામે અવાજ બુલંદ કરનારામાં સૌથી આગળ અફઘાની મહિલાઓ છે.
દરમિયાન તાલિબાને કરેલા ફાયરિંગમાં ઘણા લોકોના મોત પણ થયા છે તેવુ બ્રિટિશ અખબારનુ કહેવુ છે.ઉલ્લેખનીય છે કે, તાલિબાન સામે સૌથી પહેલો વિરોધ અસદાબાદ શહેરમાં 15 ઓગસ્ટે થયો હતો.જ્યારે લોકોએ તાલિબાનના ઝંડા ફાડયા હતા અને રસ્તા પર આવીને તાલિબાન સામે નારા લગાવ્યા હતા.મહત્વની વાત એ પણ છે કે, તાલિબાન સામે થઈ રહેલા દેખાવોમાં મહિલાઓ પણ જોડાઈ રહી છે.