વલસાડ : દક્ષિણ ગુજરાતના દરિયામાં સવારથી કરંટ જોવા મળી રહ્યો છે.દરિયાકાંઠે NDRFની ટીમ પણ ગોઠવી દેવાઈ છે.વલસાડ,વાપી,દમણ,નવસારી,ડાંગ, આહવા,સાપુતારા વગેરે વિસ્તારોમાં બુધવાર સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું છે.અનેક જગ્યાએ હળવા અને મધ્યમ વરસાદી ઝાપટાં પણ પડ્યા હતાં.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે.આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે.રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આજે સવારે જણાવ્યું હતું કે,આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.