નવી દિલ્હી : તેલિબિયાના નિકાસકારોના સંગઠન IOPEPCએ બુધવારે કહ્યું હતું કે ચાલુ વર્ષે તેલિબિયાની નિકાસ ~10,000 કરોડને પાર થઈ જશે તેવી ધારણા છે. તેલિબિયાનું વાવેતર ખાસ્સું વધ્યું છે, જેને કારણે ઉત્પાદન પણ વધશે.જે તેલિબિયાની નિકાસ થાય છે તેમાં મુખ્યત્વે સોયાબીન,શિંગતેલ,તલ,એરંડો,સૂર્યમુખીનો સમાવેશ છે. ઈન્ડિયન ઈલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (IOPEPC)ના ચેરમેન ખુશવંત જૈને કહ્યું હતું કે 2 જુલાઈ સુધીમાં દેશમાં તેલિબિયાનું કુલ વાવેતર 109.225 લાખ હેક્ટર થયું છે,જે ગત વર્ષે આ ગાળામાં 33.656 લાખ હેક્ટર હતું.
કુલ ખરીફ તેલિબિયા વિસ્તારના વાવેતરમાં સોયાબીનનું વાવેતર 61 ટકા વિસ્તારમાં અને શિંગતેલનું 23 ટકા વિસ્તારમાં થયું છે.સૂર્યમુખીનું વાવેતર 19.7 ટકા અને તલનું 12.4 ટકા છે.માત્ર મધ્ય પ્રદેશમાં જ 34.64 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 22 ટકા, ગુજરાતમાં 13.53 ટકા, રાજસ્થાનમાં 11.43 ટકા, કર્ણાટકમાં 5.04 ટકા,આંધ્ર પ્રદેશમાં 5.02 ટકા,ઉત્તર પ્રદેશમાં 2.66 ટકા, તેલંગણામાં 1.74 ટકા અને તમિલનાડુમાં 1.21 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે તેલિબિયાનું વાવેતર ત્રણ ગણાંથી પણ વધારે થવાથી ઉત્પાદન ખાસ્સું વધશે અને પરિણામે નિકાસ પણ સારી એવી વધશે. વર્ષ 2020-21માં નિકાસ ~10,000 કરોડને પાર થઈ જશે તેવી ધારણા છે.ગયા વર્ષે ~9497 કરોડના તેલિબિયાની નિકાસ થઈ હતી. તેમણે કહ્યું કે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાને કારણે નિકાસને અસર થઈ હતી,પરંતુ સપ્ટેમ્બરથી ફરી તેમાં ગતિ આવશે.ઈન્ડોનેશિયા,ચીન,મલેશિયા,ફિલિપાઈન્સ,અને યુરોપીયન યુનિયનમાં મુખ્યત્વે તેલિબિયાની નિકાસ થાય છે.
જૈને ઉમેર્યું હતું કે ભૂગર્ભજળની સારી સ્થિતિ અને આ વર્ષે સારા ચોમાસાને કારણે ખેડૂતોને તેલિબિયાના વાવેતર માટે પ્રોત્સાહન મળ્યું છે. અત્યાર સુધીમાં તેલિબિયા ઉત્પાદક રાજ્યોમાં ચોમાસું સારું રહ્યું છે. ધ્ય પ્રદેશ,મહારાષ્ટ્રમાં સોયાબીનનો સારો પાક થશે જ્યારે ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શીંગનો સારો પાક થશે.


