નવી દિલ્હી તા.4 : અયોધ્યા ખાતે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે આ રામમંદિરના આંદોલનમાં બલિદાન આપનાર કોઠારી બંધુઓના પરિવારને આ ભૂમિપૂજન-શિલાન્યાસ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ અપાયુ છે.એ તકે કોઠારી બંધુઓના બલિદાનને સન્માન આપવામાં આવશે.
આ એ કોઠારી બંધુઓ છે જયારે રામ જન્મભૂમિ આંદોલન 1990ના વર્ષમાં ચરમસીમાએ હતું ત્યારે યુપીના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની સતાને પડકાર આપીને રામ જન્મભૂમિ પર બનેલા ગુંબજો પર ‘ભગવો’ લહેરાવ્યો હતો,બાદમાં મુલાયમસિંહના આદેશ પર પોલીસના ગોળીબારમાં આ રામભકત કોઠારી બંધુ શહીદ થયા હતા.
રામભકત કોઠારી બંધુ 22 ઓકટોબર 1990ના રોજ કોલકાતાથી અયોધ્યા જવા નીકળ્યા હતા પણ બનારસ આવીને રોકાઈ ગયા હતા અને ત્યાંથી અયોધ્યા જવા નીકળ્યા હતા પણ રામભકતોને રોકવા મુલાયમ સરકારે ટ્રેનો અને બસો બંધ કરી દીધી હતી તો આ કોઠારી બંધુ ટેકસાથી આઝમગઢના ફુલપુર ગામ સુધી આવ્યા પણ અહીંથી સડકમાર્ગ બંધ હતો પણ હિમત હાર્યા વિના અધધધ 200 કિલોમીટર પગપાળા ચાલીને કોઠારી બંધુઓ અયોધ્યા પહોંચ્યા હતા.જયાં 30 ઓકટોબર 1990ના રોજ ગુંબજ પર ચડનાર પ્રથમ વ્યક્તિ શરદ કોઠારી હતો ત્યારબાદ તેના ભાઈ રામ કોઠારી બાબરી મસ્જિદ ગુંબજ પર ચડયો હતો,આ બન્ને ભાઈઓએ ગુંબજ પર ભગવો ઝંડો લહેરાવ્યો હતો.બાદમાં 2 નવેમ્બર 1990માં પોલીસે આ બન્ને ભાઈઓને ગોળી મારી હતી.બન્ને ભાઈઓએ ત્યારે રામમંદિર માટે શહીદી વહોરી હતી.

