નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર : રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી પરત લાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના પ્રથમ ચરણ હેઠળ રોમાનિયાથી 219 ભારતીયોની સાથે મુંબઈ માટેની પ્રથમ ઉડાન 26 ફેબ્રુઆરીએ ભારત પહોંચી હતી.બીજી તરફ યુક્રેનના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થાન શોધવા માટે સરહદી દેશોમાં પહોંચી રહ્યા છે જ્યાંથી ભારતીય દૂતાવાસ તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આ ક્રમમાં, લગભગ 200 વિદ્યાર્થીઓનું એક જૂથ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી નીકળીને રોમાનિયાની સરહદ પર ફસાયું છે.બોર્ડર બંધ હોવાને કારણે તેઓને ત્યાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાવા-પીવા ઉપરાંત આ લોકો કડકડતી ઠંડી સામે પણ ઝઝૂમી રહ્યા છે.એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે,ખાવા-પીવાની વ્યવસ્થા નથી અને ભારતીય દૂતાવાસ સાથે તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.
રોમાનિયા સરહદ પર ફસાયેલા એક વિદ્યાર્થીને જ્યારે પૂછવામાં આવ્યું કે,યુક્રેનથી રોમાનિયા સરહદ સુધી પહોંચવામાં તેઓને કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો તેમણે જણાવ્યું કે,ભારતીય ત્રિરંગાને કારણે અહીં સુધી આવવામાં કોઈ મુશ્કેલી નથી પડી કારણ કે, રશિયા અને યુક્રેનની સાથે ભારતના સબંધો સારા છે. વિદ્યાર્થીએ આગળ કહ્યું કે,અહીં પહોંચ્યા બાદ અમારા માટે કોઈ વ્યવસ્થા નથી. 10 કિ.મી પગપાળા આવીને ભોજન-પાણી વગેરેની વ્યવસ્થા જાતે કરી છે.
યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2000 ભારતીયોનું સ્થળાંતર
આ વચ્ચે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતે યુધ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અત્યાર સુધીમાં લગભગ 2,000 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને પડોશી દેશોની સરહદો પર સ્થિત વિભિન્ન ટ્રાન્ઝિટ પોઈન્ટના માધ્યમથી બહાર કાઢવાનો પ્રયત્ન ચાલું છે.પત્રકારો સાથે વાતચીત દરમિયાન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે,તેમણે યુક્રેન અને રશિયાના રાજદૂતો સાથે અલગ-અલગ બેઠક કરી છે અને યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોનું લોકેશન શેર કર્યું છે જેથી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.