– શરદ પવાર દ્વારા ત્રીજો મોરચો રચવા આજે બેઠક: અનેક પ્રાદેશિક નેતાઓ ઉપરાંત ભાજપ-વિરોધીઓ એકત્ર થશે
– કોંગ્રેસ પક્ષની અલગ બેઠક તા.24ના: સોનિયાને પણ પ્રશાંત કિશોરની સલાહ પહેલા પક્ષના મતભેદો દૂર કરો
નવી દિલ્હી: પ.બંગાળની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ અને મમતા બેનરજીએ જે રીતે ભાજપને ધોબીપછાડ આપી અને તામિલનાડુ સહિતના રાજયોમાં પણ વિપક્ષો સફળ રહ્યા તેના પરથી ફરી એક વખત 2024માં ભાજપને ‘ભરી-પીવા’ ના હુંકાર સાથે એનસીપી વડા શરદ પવાર જે રીતે ચૂંટણી વ્યુહબાજ પ્રશાંત કિશોરને સાથે રાખીને ત્રીજો મોરચો રચવાની તૈયારી કરી છે તેના ભાગ રૂપે શ્રી પવાર આજે આમઆદમી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ રાષ્ટ્રીય જનતાદળ નેશનલ કોન્ફરન્સ સાથે અન્ય કેટલાક પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં અને કોંગ્રેસની સાથે જ સરકાર ચલાવી રહેલા એનસીપીએ કોંગ્રેસને જ આ મોરચામાંથી બાદબાકી કરીને આગળ વધવાનો પ્રયાસ કરતા તેના ઘેરા પડઘા પડયા છે અને કોંગ્રેસ પક્ષે અત્યારથી જ 2024માં અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
આજની બેઠકમાં ફારૂક અબ્દુલ્લા,યશવંત સિંહા,પવન શર્મા,સંજયસિંઘ,ડી રાજય જસ્ટીસ એ.પી.સિંહ જાવેદ અખ્તર,કેપીએમ તુલસી,કરણ થાપર,આશુતોષ એડવોકેટ મજીદ તથા વંદના ચૌહાણ અને પૂર્વ પ્રમુખ ચૂંટણી કમીશ્નર એલ.વાય.કુરેશી,સુવિન્દુ કુલકર્ણી સહીતના અનેક નવા ચહેરા પણ સામેલ હશે.બીજી તરફ કોંગ્રેસ પક્ષે હવે તા.24ના રોજ તેના મહાસચિવ પક્ષના રાજય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખોની બેઠક બોલાવી છે જેમાં હવે સંભવત નવા પ્રમુખની ચર્ચા થશે અને ચુંટણી કાર્યક્રમ પણ નકકી થશે.
જો કે પવાર સાથેની મુલાકાત બાદ ચૂંટણી સલાહકાર પ્રશાંત કીશોરે આ પ્રકારના ત્રીજા કે ચોથા મોરચા દ્વારા ભાજપને હરાવવાની શકયતા ફગાવી છે.તેઓએ કહ્યું કે મને લાગતુ નથી કે ત્રીજો કે ચોથો મોરચો ભાજપની આગેકૂચ રોકી શકે. પ.બંગાળમાં મમતાના ભવ્ય વિજય બાદ પ્રશાંત કીશોર ફરી લાઈમ લાઈટમાં આવી ગયા છે અને હવે શરદ પવારે તેમને ત્રીજા મોરચાની શકયતા અપાવવાની જવાબદારી સોંપી છે.
પવાર સાથેની મુલાકાત અંગે પ્રશાંત કીશોરે કહ્યું કે અમો એક બીજાને સમજવાની કોશીશ કરી રહ્યા છીએ.
અગાઉ અમોએ કદી સાથે કામ કર્યુ જ નથી અને અમારી વાતચીતમાં હજું ત્રીજો મોરચો સામેલ નથી પણ આ પ્રકારના મોરચાથી ભાજપને હરાવી શકાય નહી.તેમણે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ અંગે પહેલા તેના આંતરીક મતભેદો ઉકેલવા જોઈએ.