– માલ અથવા સેવા મેળવ્યા વિના બોગસ સોદા કરનાર જેલ ભેગા
મુંબઈ : સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સીજીએસટી) અધિકારીઓએ થાણે જિલ્લાના ભાયંદરમાંથી રૃા. ૯૦.૬૮ કરોડ જેટલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) છેતરપિંડીના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર ઠગો સામે ચલાવાયેલા એક મોટા અભિયાનમાં થાણે સેન્ટ્રલ જીએસટી કમિશનરના કાર્યાલયે ભાયંદર પશ્ચિમમાં એક કંપની ખોલીને કામ કરતા માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી છે.આરોપીએ સીજીએસટી એક્ટ ૨૦૧૭ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને માલ અથવા સેવા મેળવ્યા વિના રૃા. ૯૦.૬૮ કરોડ જેટલી આઈટીસી મેળવી હતી.
કમિશનરના કાર્યાલયે આપેલી માહિતી મુજબ આરોપીની કંપની એસબેસ્ટોસ,કોટન યાર્ન,સીવવાના દોરા વગેરેમાં વેપાર કરતી હતી અને તેણે રૃા. ૫૦૩.૮૦ કરોડ જેટલા મૂલ્યનો સામાન દર્શાવીને ખોટી રીતે આઈટીસી મેળવી હતી.આ માત્ર કાગળ પરનો સોદો હતો જેમાં કોઈ વસ્તુ અથવા સેવાની લેતીદેતી નહોતી થઈ અને ઈ-વે બીલ પણ ફાઈલ નહોતા કરાયા.આરોપીને થાણેની કોર્ટે ૫ નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.અન્ય કેસોમાં ભાયંદર વિસ્તારમાંથી જ ખોટી રીતે રૃા. ૨૯૨ કરોડની આઈટીસી મેળવવામાં સામેલ બે કંપનીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.આ કંપનીઓ કાર્યરત નહોતી અને તેમના રજિસ્ટ્રેશન રદ કરાયા હતા.આ કેસોના માસ્ટરમાઈન્ડને પણ ઝબ્બે કરવાના પ્રયાસ ચાલુ છે એવી માહિતી સીજીએસટી કાર્યાલયે આપી હતી.

