દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે,જેમાં 14 લોકોનાં મોત થયા છે,જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે.જોહાનિસબર્ગ પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપ સ્થિત એક બારમાં બની હતી.
શનિવારે મોડી રાત્રે ટેક્સીમાં અહીં આવેલા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.અચાનક બનેલી આ ઘટનાથી લોકો ગભરાઈ ગયા હતા અને અહીં-ત્યાં ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.ગૌટેંગ પ્રાંતના પોલીસ કમિશનર લેફ્ટનન્ટ જનરલ ઇલ્યાસ માવેલાના જણાવ્યા અનુસાર,ઘટનાસ્થળેથી મળી આવેલા કારતુસની સંખ્યા પણ દર્શાવે છે કે ફાયરિંગમાં એકથી વધુ લોકો સામેલ હતા.
પોલીસકર્મી ઇલ્યાસ માવેલાએ જણાવ્યું કે જે બારમાં ફાયરિંગ થયું તે લાઇસન્સધારક છે.ઘટના સમયે અહીં ઘણા લોકો હાજર હતા.અચાનક હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો.જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આરોપીઓએ ફાયરિંગ કરવા પાછળનો હેતુ શું હતો.