બારડોલી : બારડોલી નગરપાલિકા દ્વારા મંગળવારના રોજ રોડ પર દબાણરૂપ લારી ગલ્લા વાળાઓને પીળા પટ્ટાની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.જો કે દરમ્યાન પણ નગરપાલિકાના શાસકો અને કર્મચારીઓની વ્હાલાદવલાની નીતિ સ્પષ્ટ જોવા મળી હતી.કેટલાક દુકાનદારોએ પોતાનો સામાન બહાર કાઢ્યો હોવા છતાં ખસેડવાની કોઈ સૂચના આપવામાં આવી ન હતી.જેને લઈને લારી ગલ્લાવાળાઓમાં પણ નારાજગી જોવા મળી હતી.
બારડોલી નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર થતાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવા માટે મંગળવારના રોજ તમામ લારી ગલ્લાને ખસેડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ મોટા મોટા શોપિંગ સેન્ટરના ગેરકાયદે દબાણો અને પાલિકાના અનામત પ્લોટ પર કરવામાં આવી રહેલા દબાણો દૂર કરવાની હિંમત ન હોય પાલિકાની આ એકતરફી કાર્યવાહી મામલે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો.આથી મંગળવારના રોજ લારી ગલ્લાનું દબાણ હટાવવાની જગ્યાએ પાલિકા શાસકોએ કારમાં ફરીને દયારામ માર્ગ (તેન-અસ્તાન રોડ), સ્ટેશન રોડ સહીતના મુખ્ય માર્ગ પર દબાણમાં આવતા લારી ગલ્લાવાળા અને પાથરણા વાળાઓને પીળા પટ્ટાની અંદર થોડી પાર્કિંગની જગ્યા છોડીને પોતાના લારી ગલ્લા લગાવવા સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત જો ટ્રાફિકમાં અડચણરૂપ હશે તો તેવા દબાણો આગામી દિવસોમાં દૂર કરવામાં આવનાર હોવાની પણ સૂચના પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી હતી.જો કે દરમ્યાન સ્ટેશન રોડ પર કેટલીક મોટી દુકાનો અને રેસ્ટોરન્ટ દ્વારા રોડ પર જ ટેબલો તેમજ અન્ય સામાન મૂકી વેપાર કરવામાં આવે છે તો તેમને કોઈ સૂચના આપવામાં નહિ આવતા પાલિકાની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ હતી.એક તરફ નગરપાલિકામાં અનેક ગેરકાયદે બાંધકામો અને પાકા દબાણો છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને લારી ગલ્લા વાળા રોજનું કમાઈને રોજ ખાવાવાળાને દબાણના નામે હેરાન કરવામાં આવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.


