– કલસર ચેકપોસ્ટ પાસે પોલીસે બસને અટકાવી તલાસી લીધી હતી
બારડોલી : બારડોલી અને ઓલપાડ સુરતના કેટલાક નશાના શોખીનો લકઝરી બસમાં દમણ આવ્યા હતાં,પરંતુ પરત ફરતી વેળાએ આ મુસાફરો દારૂ સાથે લઈ જવાની હિંમત કરી હતી.આ અંગે પોલીસને બાતમી આપી દેતાં પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ આગળ બસને અટકાવી તલાસી લીધી હતી.જેમાં બસમાં સવાર 43 મુસાફરો પાસે દારૂ મળી આવતા દમણની દારૂની મોજ મસ્તી બાદ રાત પારડી પોલીસ મથકે ગુજારવાની ફરજ પડી હતી.
પારડીના પીએસઆઇ બી. એન. ગોહિલ અને સ્ટાફ દમણથી આવતા વાહનોને કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ ચેકિંગ કરી રહ્યા હતાં.આ દરમિયાન જી.જે.19 યુ.4514 શિવમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ આવતા પોલીસે અટકાવી હતી.જેમાં બસમાં 57 પૈકી 43 મુસાફરોની બેગમાં દારૂની બોટલો મળતા કાર્યવાહી હાથ ધરી હતી.બસમાં બેસેલા મુસાફરો બારડોલી સુરત અને ઓલપાડના રહેવાસી છે. મુસાફરો શિવમ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસમાં દમણ ફરવા માટે આવ્યા હતાં.પરત ફરતા મુસાફરોએ બેગમાં દારૂ લઇ જઇ રહ્યા હતાં.આ 43 મુસાફરોએ દમણની મોજ બાદ પારડી પોલીસ મથકે રાત ગુજારવી પડી હતી .પોલીસે 92 હજારનો દારૂ કબજે લીધો હતો. 20 લાખની બસ પણ કબજે કરી હતી.
કેટલાક બારડોલી પાલિકાના સફાઈકર્મી
આ ઝડપાયેલા કેટલાક મુસાફરો મજુરી કામ કરે છે.કેટલાક મુસાફરો બારડોલી પાલિકામાં સફાઈકામ કે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.તમામ મુસાફરો આ બસમાં સહેલગાહે આવ્યા હતાં.