– મનપાના બે કર્મી ભાઇ પૈકી એક ફરાર, પાઇલોટીંગ કરનાર ઝબ્બે
સુરત : સુરત ઓપરેશન ગ્રુપને બાતમી મળતા ખારેલ જતા રોડ પરથી રૂ. 65 હજારના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.પોલીસે કાર સહિત પાઈલોટીંગ કરનાર બાઈકને ઝબ્બે કરી કુલ રૂ. 6.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ઘટનામાં પોલીસે બેની અટક કરી હતી,જ્યારે 5ને ફરાર જાહેર કર્યા હતા.આ ઘટનામાં સામેલ આરોપી પૈકી બે ભાઈ તેમજ તેઓ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.આ બે ભાઈ પૈકી એક ઝડપાયો હતો,જ્યારે એકને ફરાર જાહેર કર્યો હતો.
સુરત ઓપરેશન ગૃપના અ.હે.કો. યુવરાજસિંહ જુવાનસિંહ તથા અ.હે.કો.શક્તિસિંહ સુખદેવસિંહ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન અ.હે.કો. શક્તિસિંહ સુખદેવસિંહને બાતમી મળી વિદેશી દારૂ ભરેલી કાર નાનાપોંઢા,ધરમપુર થઇ કરંજવેરીથી ખારેલ તરફ જતા રોડ પરથી સુરત તરફ જનાર છે.બાતમીને આધારે પોલીસે કરંજવેરીથી ખારેલ જતા રોડ પર વોચ ગોઠવી હતી.પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રાખી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 182 બોટલ કિંમત રૂ. રૂ. 65600 મળી આવ્યો હતો.
પોલીસે દારૂ સહિત કાર,બાઈક,બે મોબાઈલ તથા રોકડા રૂ. 71530 વગેરે મળી કુલ રૂ. 6,69,130નો મુદ્દામાલ કબજે કરી કારચાલક રાહુલભાઇ ચુનીલાલ પટેલ (રહે. રાજપુરી-તલાટગામ, મંદિર ફળિયું. તા. ધરમપુર, જિ-વલસાડ) તથા બાઈક પર પાઇલોટીંગ કરનાર જીગ્નેશ ઉર્ફે ચકો ભરતભાઇ પટેલ (ઉ.વ 25, રહે. રાજપુરી-તલાટગામ,નદી ફળિયું, તા-ધરમપુર,જિ.વલસાડ)ની અટક કરી હતી.પોલીસે આ વિદેશી દારૂની હેરાફેરીમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બે ભાઈ રાહુલ પટેલ અને મેહુલ પટેલ પૈકી રાહુલ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે મેહુલ પટેલને ફરાર જાહેર કર્યો હતો.
પોલીસે ફરાર જાહેર કરેલા આરોપીઓ
વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનાર સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતો મેહુલ ચુનીલાલ પટેલ (રહે. રાજપુરી-તલાટગામ, મંદિર ફળિયું, તા-ધરમપુર, જિ-વલસાડ, નટુ ઉર્ફે નરેશભાઇ મોહનભાઇ પટેલ (રહે. નરોલી, સેલવાસ), દુલાભાઇ રવજીભાઇ વાઘાણી (રહે. સંતલાલ સોસાયટી, હીરાબાગ, સુરત), મુન્નો ઉર્ફે મહેન્દ્ર કિશનભાઇ સોલંકી (રહે જલારામનગર સોસાયટી, અમરોલી, ચોર્યાસી, સુરત) અને મામો (રહે. અડાજણ, સુરત)ને ફરાર જાહેર કર્યા હતા.