– ફાયર ફાઇટરના બંબા દોડી ગયા બાદ લાશકરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
દમણ,તા.01 મે 2023,સોમવાર : દમણના ડાભેલ ગામે આવેલી કંપનીમાં ગઇકાલે રવિવારે રાત્રે આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.જેના પરિણામે કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને 5 જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો.જેમાંથી 2 કામદારોને ગંભીરઈજા પહોંચી હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.
ઘટના સ્થળેથી મળતિ વિગત મુજબ દમણના ડાભેલ ગામે આટિવાવાડ ખાતે યાનનું ઉત્પાદન કરતી રાવલવસિયા યાન ડાઇંગ પ્રા.લિ. નામક કંપની આવેલી છે.આ કંપનીમાં ગઇકાલે રવિવારે મધરાતે અચાનક આગ સળગી ઉઠી હતી.યાનના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા જોતાજોતા કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.ઉપરાંત આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
આગને પગલે દમણ,સેલવાસ,વાપી સહિતના વિસ્તારના ફાયર ફાઇટરના બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા.લાશકરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ત્રણથી ચાર ક્લાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો.જો કે કોઇ જાનહાની થઇ ન હતી.પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી.પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવાયું છે.એફએસએલ રિપોર્ટ બાદ જ કારણ બહાર આવી શકશે.આગને પગલે કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો છે.