વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી.એક એવો કિસ્સો બન્યો છે કે માતાનું સ્વપ્ન પૂર્ણ ન થતાં 27 વર્ષ પછી પુત્રી સાથે સ્વપ્ન પૂર્ણ કર્યું છે.આ વાતની જાણ મોદીને થતાં તેઓ આ બન્નેને મળ્યાં હતા.
દમણમાં રહેતા મુક્તિબેન પટેલ એક ઇંગ્લિશ મિડીયન સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.મૂળ નવસારીના છે પરંતુ તેમણે લગ્ન પહેલાં ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોયું હતું પરંતુ NIFTનું સેન્ટર નહીં હોવાથી તેમને ગાંધીનગર સુધી ભણવા જવાનું ટાળ્યું હતું.તેમના લગ્ન થયાં પછી તેઓ ગૃહસ્થીમાં વ્યસ્ત બની ચૂક્યાં હતા.તેમણે તેમના સ્વપ્નને દબાવી દીધું હતું અને બાળકોની દેખરેખમાં જીવન વિતાવી રહ્યાં હતા.માતાને ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી બનાવવી હતી તે જાણીને તેમની પુત્રી દ્રષ્ટિ પટેલને દુખ થયું હતું.પુત્રીએ માતાને NIFTમાં એડમિશન અપાવ્યું અને માતા-પુત્રી બન્ને એક જ ક્લાસમાં બેસીને અભ્યાસ કરી રહ્યાં છે,કેમ કે દમણમાં NIFTની શાખા ખોલવામાં આવી છે.વડાપ્રધાનને આ બાબતની જાણ થતાં તેમણે આ માતા-પુત્રી સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સપનાંની ચર્ચા કરી હતી.
દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી સેન્ટર બન્યું છે.અનેક આશાસ્પદ યુવાન અને યુવતીઓ અહીં કારકિર્દી બનાવી રહ્યાં છે.આ કેમ્પસમાં માતા અને પુત્રી સાથે સાથે અભ્યાસ કરે છે અને ફેશન ડિઝાઇનિંગમાં નિપૂણ બની રહ્યાં છે.માતા શિક્ષિકા હોવા છતાં તેનું સપનું પૂર્ણ કરી રહી છે.આ કિસ્સામાં માતાને તેમનું સ્વપ્ન પૂર્ણ કરવાનું કામ પુત્રીએ કર્યું છે.આ ક્ષેત્રમાં ઉંમરનો કોઇ બાધ નહીં હોવાથી પુત્રીની સાથે માતાને પણ એડમિશન મળી ગયું હતું.માતા 27 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ કરી રહી છે અને તે પણ તેની પુત્રીની સાથે બેસીને ભણી રહી છે.
મહત્વની બાબત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાં સમય પહેલાં જ સંઘ પ્રદેશ દમણમાં NIFTનું કેન્દ્ર શરૂ કરાવ્યું છે.આ કેન્દ્રના કારણે દમણના યુવક કે યુવતીને ગાંધીનગર સુધી લાંબા થવું પડતું નથી.મોદીએ આ કિસ્સો સાંભળીને માતા અને પુત્રીને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે હંમેશા મા-બાપ સંતાનોના અરમાન પુરાં કરતા હોય છે પરંતુ અહીં તો પુત્રી માતાના અરમાન પુરાં કરી રહી છે.