વલસાડ, 17 જૂન : દમણમાં આવનારી ગ્રામ અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને ચૂંટણી આયોગ દ્વારા સોમવારે સીમાકંનનું જાહેરનામું બહાર પાડ્યું છે.નવા સીમાંકનમાં ડાભેલ પંચાયતને જિલ્લા પંચાયતની વધુ ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. ડાભેલ ગ્રામપંચાયતની વસતિ વધતાં થોડા સમય અગાઉ જ ડાભેલ પંચાયતનું ચાર પંચાયતમાં વિભાજન કરાયું હતું.આ ઉપરાંત દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ દ્વારા ડાભેલ ગ્રુપ ગ્રામ પંચાયતની વધુ વસતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે બેઠકો વધારવા માટે માગ કરી હતી.સાત માસ પછી દમણ જિલ્લા પંચાયતની થનારી ચૂંટણીના નવા સીમાકંન અને નોટિફિકેશનમાં ડાભેલ પંચાયતને વધુ ત્રણ સીટોની ફાળવણી કરાતા કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે પ્રશાસક અને ચૂંટણી આયોગનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ દમણમાં ગ્રામ અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અત્યારથી જ ધમધમાટ શરૂ થઇ ગયો છે.


