– વિદ્યાર્થીના હોસ્ટેલ માટે પણ પ્રશાસને એસઓપી જાહેર કરી
– કોલેજના 40 દિવસ પછી સેકન્ડરી- હાયર સેકન્ડરી સ્કૂલ ખુલશે
દમણ : દમણ સહિત સંઘપ્રદેશ દાનહ અને દીવમાં છેલ્લા એક માસથી કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે.દમણ એજ્યુકેશન વિભાગે ગત 7મી ડીસેમ્બરથી કોલેજ અને ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસના તમામ શૈક્ષણિક સંસ્થાન ખોલી દીધા છે. કોલેજ ખોલ્યાના 40 દિવસ પછી 18મી જાન્યુઆરીથી સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પણ વિદ્યાર્થીઓ એસઓપી મુજબ અભ્યાસ કરતા થઇ જશે.
કોવિડ 19ની ગાઇડલાઇન અને એજયુકેશન ડિપાર્ટમેન્ટના એસઓપી મુજબ શાળા શરૂ કરવા માટેની તૈયારી સંચાલકો દ્વારા શરૂ થઇ છે.નો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી તમામ શાળા શરૂ થશે. સોશિયલ ડિસ્ટંન્સિગ જળયાય એ મુજબ શાળા સંચાલકો વિદ્યાર્થીઓને કલાસ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરશે.આ ઉપરાંત શાળામાં અભ્યાસ અને વિષય દીઢ પીરિયડની ગોઠવણી શાળા પોતાની અનુકુળતા મુજબ કરી શકશે. સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં આવેલી તમામ ખાનગી,સરકારી અને ગ્રાન્ટેડ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં અભ્યાસ ચાલુ કરી દેવાશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ અને હોસ્ટેલ માટે પણ ગાઇનલાઇન બહાર પાડવામાં આવી છે જેનો સખતાઇથી અમલ કરવાનો રહેશે.શાળામાં જોકે,બાહ્ય પ્રવૃતિ કે જેમાં વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઇ શકે તેમજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકાશે નહિ.દમણ પ્રશાસને 40 દિવસ અગાઉ કોલેજ અને હાયર એજ્યુકેશન સંસ્થા ખોલી દીધા બાદ હવે શાળા શરૂ થશે.