વલસાડ, 29 મે :દમણ અને ગુજરાતની સરહદ લોકડાઉનમાં સિલ કરી દીધા બાદ દમણમાં જ આવેલું અને દમણની સરહદથી જોડાયેલા કુંતા ગામના લોકો મુસીબતમાં મુકાયા હતાં.ગામના લોકોનો વેપારધંધો,રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દમણમાં જઇ શકતા ન હતા.આ સમસ્યામાંથી કુંતા ગામના લોકો બહાર નીકળી શક્યા છે.કોરોના મહામારી અને લોકડાઉનમાં દમણ પ્રશાસને દમણની તમામ બોર્ડર સિલ કરી કોરોના મુક્ત રહેવામાં સફળતા મેળવી છે.લોકડાઉનના દિવસોમાં દમણની બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના કુંતા ગામની સરહદ પણ સિલ કરી હતી.જેને આજથી ખોલી નાખવામાં આવી છે અને કુંતા ગામના લોકો ધંધા રોજગાર માટે દમણમાં આવાગમન કરી શકશે, તેવું દમણ કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું.
આ અંગે દમણ કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે,દમણ બોર્ડર લોકડાઉન દરમિયાન સિલ કરી હતી.ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના કુંતા ગામના લોકોની અવરજવર પર પ્રશાસને રોક લગાવી હતી.જે અંગે પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વનો નિર્ણય લઈ બોર્ડરને ખોલી દેવામાં આવી છે.ત્યાં ગુજરાત અને દમણની સયુંકત પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે.જે લોકો કુંતા ગામમાંથી દમણમાં આવશે તેઓને આવવા દેવાની છૂટ આપવામાં આવી છે.વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે,કુંતા ગામના મોટાભાગના લોકોનો વેપારધંધો,રોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ માટે દમણ આવવું અતિ આવશ્યક છે.એ ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.તેમ છતાં દમણ જે રીતે અત્યાર સુધી કોરોના મુક્ત રહ્યું છે.તેવી જ રીતે કોરોના મુક્ત રાખવામાં સહયોગ આપે.જે પણ વ્યક્તિને શરદી,ખાંસી,તાવ જવા લક્ષણો દેખાય તેઓ આરોગ્ય કેન્દ્રમાં જઇ સારવાર કરાવે અને ઘરે જ રહે ચેકપોસ્ટ પર દરેક વ્યક્તિનું થર્મલ ચેકીંગ કરવામાં આવશે.જેમાં કોરોના વાયરસના ચિહ્નો જોવા મળશે તો તેવા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ.ઉલ્લેખનીય છે કે,દમણ પ્રશાસનની આ પહેલને કુંતાવાસીઓએ આવકારી છે.ત્યારે લોકોમાં એક ચર્ચા એ પણ જાગી છે કે, દમણમાંથી પરપ્રાંતીય લોકો વતન જતા રહ્યા છે.એટલે ઉદ્યોગોમાં કામદારોની ઘટ નિવારવા પ્રશાસને આ નિર્ણય કર્યો છે.


