ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતીય ટીમને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ હારનો સામનો કરવો પડયો. સોમવારે ન્યૂઝીલેન્ડે ભારતને ૧૦ વિકેટથી હરાવી દીધુ. આ વાતને લઇ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય મેનેજમેન્ટ પર સવાલો કર્યા છે. તેમને ટીમ મેનેજમેન્ટને સવાલ કર્યો છે કે, શામાટે દરેક મેચમાં પ્લેઇંગ ઇલેવનને બદલવામાં આવે છે.
કપિલ દેવ આ વાતથી નાખુશ છે કે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટનમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ દરેક તરફથી ખરાબ પ્રદર્શન કર્યું. કપિલ દેવે કહ્યું કે,”ન્યૂઝીલેન્ડ ટીમના વખાણ કરવા જોઇએ, તેઓ ખુબ જ સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને હવે આ ટેસ્ટ મેચમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે. જો આપણે આ મેચનું ગંભીર રૂપે વિશ્લેષણ કરીએ તો મારી સમજમાં નથી આવતું કે, આટલા બધા બદલાવ કેમ કરવામાં આવી રહ્યા છે.”
પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવે આગળ કહ્યું કે,”લગભગ દરેક મેચમાં ટીમ ઇન્ડિયા નવી ટીમ ઉતારી રહી છે. કોઇ ટીમ નિયમિત નથી. જો તમારા સ્થાનની સુરક્ષા નથી તો આ ખેલાડીઓના પરફોર્મંસ પર અસર કરશે. બેટિંગ ઓર્ડરમાં મોટા નામ હોવા છતા પણ જો તમે બંન્ને ઇનિંગમાં ૨૦૦ રનનો સ્કોર બનાવો છો તો પણ તમે જીતની સ્થિતિમાં નથી હોતા. તમારે વધારે યોજનાઓ અને રણનીતિ બનાવવાની રહેશે.’
દરેક મેચમાં પ્લેઇંગ ઇલેવનને કેમ બદલવામાં આવે છે..?!!: કપિલ દેવ

Leave a Comment

