નવી દિલ્હી, તા. ૨૩ : દવાઓનું વેચાણ વધારવા માટે દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને મફતમાં વસ્તુઓ આપવી કાયદામાં સ્પષ્ટ રીતે પ્રતિબંધિત છે તેમ સુપ્રીમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે.આ સાથે જ સુપ્રીમ કોર્ટે એપેક્સ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડની અરજી ફગાવી દીધી છે.જેમાં કંપનીએ ડોક્ટરોને મફતમાં વસ્તુઓ આપવા પર થયેલા ખર્ચની રકમ પર આવકવેરા અધિનિયમ હેઠળ કર ટેકસના લાભની માગ કરી હતી.
ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે દવા કંપનીઓે દ્વારા મફતમાં આપવામાં આવતા સોનાના સિક્કા,ફ્રીઢ,એલસીડી ટીવીથી લઇને વિદેશ યાત્રા જેવી ભેટના બદલામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં હેરાફેરી કરવામાં આવી શકે છે તેવી ઘટનાઓ સામે આવે છે તો તે એક ગંભીર ચિંતાનો વિષય બને છે.
ખંડપીઠની તરફથી ચુકાદો લખનારા ન્યાયમૂર્તિ ભટ્ટે જણાવ્યું હતું કે મફતની વસ્તુઓ ટેકનિકલ રીતે મફત નથી.સામાન્ય રીતે મફતની આ વસ્તુઓની કીંમત દવામાં સામેલ હોય છે.જેના કારણે દવાનો ભાવ વધી જાય છે.જેના કારણે લોકો માટે એક સતત ચાલનારા ખતરનાક ચક્રનું નિર્માણ થાય છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે ડોક્ટર અને દર્દી વચ્ચે વિશ્વાસનો સંબધ હોય છે.દર્દી માટે ડોક્ટરે લખેલ દવા અંતિમ હોય છે અને પછી ભલે તે દવાની કીમત તેના માટે અસહ્ય હોય.
કોઇ પણ અયોગ્ય કામમાં નફા કમાવવાની પરવાનગી ન હોવી જોઇએ. ડોક્ટર અને દવા કંપનીઓ બંને માટે મફતમાં વસ્તુઓ લેવા અને આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

