– શિવસેનાની દશેરા સભા માટે મુંબઈ બીએમસીએ ઉદ્ધવ ઠાકરેને હજી સુધી પરવાનગી નથી આપી ત્યારે બીજેપી રાજ ઠાકરેને મેદાનમાં ઉતારીને દશેરા સભાના આયોજનની પેરવીમાં,રાજ ઠાકરેની ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુળે સાથેની મુલાકાત
મુંબઈ : એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની હાલત કફોડી બની ગઈ છે ત્યારે બીજેપીએ પણ શિવસૈનિકોને શિવસેના-પ્રમુખ પાસેથી આંચકી લેવા માટેની તૈયારી આરંભી હોય એવું લાગી રહ્યું છે.શિવસૈનિકોમાં ઠાકરે અટકનું ઘણું મહત્ત્વ છે એટલે બીજેપીએ આ વર્ષે દશેરામાં શિવસેનાની પરંપરાગત સભામાં એમએનએસના નેતા રાજ ઠાકરેને ઉતારવાના પ્રયાસ હાથ ધર્યા છે.નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ ઠાકરેની મુલાકાત લેવાની સાથે એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ પણ આ વખતે દશેરામાં રાજ ઠાકરે પણ સભા યોજે એવી વિનંતી કરી છે.આવું થશે તો ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે.મુંબઈ બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી આગળ વધી રહી હોવાનું આવા પ્રયાસ પરથી લાગી રહ્યું છે.
શિવસેના દ્વારા દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરા સભાનું આયોજન કરવામાં આવે છે.વર્ષોથી થતી આવી પરંપરાગત જાહેર સભામાં શિવસેના-પ્રમુખ શિવસૈનિકોને સંબોધન કરીને માર્ગદર્શન આપે છે.ગયા વર્ષ સુધી આ પરંપરા કાયમ રહી હતી.જોકે એકનાથ શિંદેએ બળવો કરવાની સાથે તેઓ મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ છે.શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જૂથે શિવાજી પાર્કમાં દશેરા સભાનું આયોજન કરવા માટે બે વખત મુંબઈ બીએમસીમાં રજૂઆત કરી છે,પરંતુ હજી સુધી તેમને મંજૂરી આપવામાં નથી આવી.આથી આ વર્ષે નવાજૂની થવાની શકયતા છે.
સોમવારે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં જઈને એક કલાક સુધી ચર્ચા કરી હતી.આથી બીજેપીનું રાજ ઠાકરે સાથે કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો લગાવાઈ રહી છે.બાદમાં રાજ ઠાકરે બીજેપીના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને પણ મળ્યા હતા.બીજી તરફ એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે દશેરા સભા બાબતે કહ્યું હતું કે દશેરામાં વિચારોનું સોનું લૂંટવાની પરંપરા છે.બાળાસાહેબ ઠાકરે વર્ષો સુધી આ સોનું લૂંટતા આવ્યા હતા.આથી વારસો એ વસ્તુનો નહીં પણ વિચારોનો હોય છે.સંદીપ દેશપાંડેએ સંકેત આપ્યા છે કે તેઓ પક્ષના પદાધિકારીઓ સાથે રાજ ઠાકરેને મળીને તેમને દશેરા સભાનું આયોજન કરવાની વિનંતી કરશે.રાજ ઠાકરે આ બાબતે શું નિર્ણય લેશે એ જોવાનું રહ્યું.
દેવેન્દ્ર ફડણવીસ અને વિનોદ તાવડે બાદ ગઈકાલે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ ઠાકરેના ઘરે જઈને મુલાકાત લીધી હતી.દોઢેક કલાક ચાલેલી આ મુલાકાત બાદ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બીજેપીની વિચારસરણી સાથે રાજ ઠાકરેના વિચાર કુદરતી રીતે મળતા આવે છે.જોકે તેમણે રાજ ઠાકરે સાથેની મુલાકાતમાં યુતિ માટે કે દશેરા સભાનું આયોજન કરવા સંબંધે કોઈ ચર્ચા થઈ કે નહીં એ વિશે કંઈ નહોતું કહ્યું.ઉદ્ધવ ઠાકરેને મુંબઈ બીએમસીમાં પડકાર ફેંકવા માટે મરાઠી મતદાતાઓને પોતાના પક્ષે કરવા જરૂરી છે.આથી બીજેપીએ મરાઠી મત અંકે કરવા માટે ઠાકરે પરિવારના જ રાજ ઠાકરેને મેદાનમાં ઉતારવાના પ્રયાસ શરૂ કર્યા હોવાનું કહેવાય છે.એના ભાગરૂપે જ બીજેપીના નેતાઓ રાજ ઠાકરેને મળી રહ્યા હોવાની ચર્ચા છે.આ વિશે બીજેપીનો કોઈ નેતા ખૂલીને બોલતો નથી.
શિવસેના-પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ દશેરા સભા વિશે કહ્યું હતું કે શિવાજી પાર્કમાં દશેરા સભા થશે કે નહીં એનો ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે.રાજ્યભરમાંથી શિવસૈનિકો મુંબઈ આવશે જ અને સભા શિવતીર્થ પર જ થશે.પરવાનગી બાબતે કેટલીક ટેક્નિકલ મુશ્કેલી ઊભી થઈ છે એ દૂર થઈ જશે.
બીજેપી માટે રાજ ઠાકરે કેમ મહત્ત્વના છે?
એકનાથ શિંદેના બળવા બાદ પણ મુંબઈના ૨૨૭ વૉર્ડમાંથી ૯૦ વૉર્ડમાં ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ મજબૂત છે.આમાંથી ૩૦ વૉર્ડમાં એમએનએસ પણ સારી સ્થિતિમાં છે.આથી બીજેપીએ જો મુંબઈ બીએમસીમાં વિજય મેળવવો હોય તો ૯૦માંથી ૪૦ વૉર્ડમાં રાજ ઠાકરેને આક્રમક રીતે રજૂ કરવા પડશે. હિન્દુત્વ,બીએમસીના ભ્રષ્ટાચાર,જૂથબાજીના મુદ્દા પર રાજ ઠાકરે બોલશે તો બીજેપીને ફાયદો થઈ શકે છે.બીજું, એકનાથ શિંદે જૂથમાં ઉદ્ધવ ઠાકરેના એક પણ વૉર્ડમાં એકલા હાથે ટક્કર આપી શકે એવો કોઈ નેતા નથી એટલે બીજેપીને તેમનો બહુ લાભ નહીં મળે.શિવસેનાના ગટપ્રમુખ,શાખાપ્રમુખ,વિભાગપ્રમુખના સ્તરે હજી પણ ઉદ્ધવ ઠાકરની પકડ છે.સત્તા માટે એકનાથ શિંદેએ ગદ્દારી કરી,તેઓ સરદાર છે એટલે તેમની ઠાકરે નામના રાજા સાથે તુલના ન જ થઈ શકે એવી ભાવના શિવસેનાની નવી પેઢીના પદાધિકારીઓમાં છે.આ જ કારણસર બીજેપી રાજ ઠાકરેની મદદથી મુંબઈ બીએમસીમાં વિજય મેળવવા માગે છે એટલે તેમને આગળ કરી રહી છે.


