મુંબઈ : ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના નિકટવર્તી ઈકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીને સાંકળતા કાળાનાણા ધોળા કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વરલીના સીજે હાઉસના બે માળનો કબજો લીધો છે.ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં મિર્ચી અને તેના પરિવારે કરેલા કથિત જમીન સોદાની તપાસમાં એજન્સીએ રૂ. 96 કરોડના ત્રીજો અને ચોથો માળનો કબજો નવ જુલાઈએ લીધો છે.
ઈડીએ દાવો કર્યો છે કે મિર્ચીની માલિકીની રૂ.. 200 કરોડની મિલકત છે જે 30 વર્ષ પૂર્વે દેશ છોડીને ગયા પૂર્વે ખંડણી અને દાણચોરી જેવા ગુના દ્વારા સીધી કે આડકતરી રીતે પ્રાપ્ત કરવામાં આવેલા નાણામાંથી ખરીદાયેલી છે.ડિસેમ્બર 2019માં ઈડીએ મિલકતોને કામચલાઉ ટાંચમાં લીધી હતી. મે 2021માં પીએમએલએ હેઠળની એડજુડિકેટિંગ ઓથોરિટીએ ટાંચને મહોર લગાવી હતી.
અત્યાર સુધી ઈડીએ રૂ. 798 કરોડની મિલકત દેશ અને વિદેશમાં ટાંચમાં લીધી છે.મિલકત વેચનારા ટ્રસ્ટના સભ્ય તતા બ્રોકર તથા ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાની આ સંબંધે ધરપકડ કરવામાં આવી છે.મિર્ચીની પત્ની અને તેના પુત્રોને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાની અરજી કોર્ટમાં કરવામાં આવી છે.