મુંબઇ : ભારતની જુદી જુદી એજન્સીઓ દ્વારા ડી ગેન્ગ સામે આક્રમક કાર્યવાહીને પગલે દાઉદ ઇબ્રાહિમનો ભાણેજ અલી શાહ મુંબઈથી સપરિવાર પલાયન થઈ દુબઈ પહોંચી ગયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.હસીના પારકરના પુત્ર અલી શાહની હજુ ગયા ફેબુ્રઆરીમાં એન્ફોર્સ્મેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ થઈ હતી.વધુ તપાસથી બચવા માટે તે પલાયન થઈ ગયાની ચર્ચા થઈ રહી છે.દાઉદ પરિવાર પર તવાઇ વધતાં પત્ની-પુત્ર સાથે સાઉદીથી તુર્કી થઇ દુબઇ શિફ્ટ થયાની શક્યતા
ઇડીના અધિકારીઓએ ગત ફેબુ્રઆરીમાં અલીશાહ પારકરની પૂછપરછ કરી હતી.તે પછી કે જ પત્ની અને પુત્રી સાથે મુંબઇ છોડીને અલીશાહ દુબઇ અને ત્યાંથી સાઉદી અરેબિયા ગયો હતો.પછી તુર્કી જઇ ફરી દુબઇ ગયો હોવાનું કહેવાય છે.હાલ તે પત્ની પુત્રી સાથે દુબઇમાં જ રહેતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઇડીના અધિકારીઓએ ચાર કલાકની પૂછપરછ દરમિયાન અલીશાહને મામા દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીદારો બદલ સવાલ કર્યા હતા.મામા દાઉદ ઇબ્રાહિમ તથા માતા હસીના પારકર સામે અનેક કેસ છતાં અલી શાહ અત્યાર સુધી કોઈપણ કેસથી પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યો હતો.પરંતુ હાલ ડી ગેન્ગ પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ વધી રહી હોવાથી અને ગેન્ગ સાથે સંકળાયેલા વિવિધ લોકો સામે જુદી જુદી એજન્સીઓની કાર્યવાહીને પગલે તેણે મુંબઈ છોડી દેવાનું નક્કીકર્યું હોવાનું માનવામાં આવે છે.
મુંબઇના નાગપાડા, ભીંડીબજાર, ગોરંગામ, બોરીવલી, સાંતાક્રુઝ, માહિમ, મુમ્બ્રામાં દાઉદ સંબંધિત અંદાજે વીસ સ્થળે ગત સોમવારે એનઆઇએની ટીમે દરોડા પાડયાહતા. ‘ડી’ ગેન્ગના હવાલા ઓપરેટર્સ, ડ્રગ પેડલર્સ, બુકી, બિલ્ડર, શાર્પશૂટરને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી.આ અગાઉ દાઉદના ભાઇ ઇકબાલ કાસકરની મની લોન્ડરિંગના પ્રકરણમાં ધરપકડ કરાઈ હતી.ભાઇ દાઉદને મની લોન્ડરિંગ દ્વારા કાસકર આર્થિક ગેરવ્યવહારમાં મદદ કરતો હોવાનો આરોપ છે.મુંબઇમાં દાઉદનું નેટવર્ક ઇકબાલ સંભાળમાં હતો.ટેરર ફંડિગમાં પણ તે સામેલ હોવાની શંકા છે.આ મામલે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) પણ કાસકરને તાબામાં લઇ શકે છે.ખંડણીના એક કેસમાં વર્ષ ૨૦૧૭માં કાસકરને પકડવામાં આવ્યો હતો.પછી તેને થાણેની જેલમાં રાખવામાં આવ્યો હતો.