મુંબઈ : મુંબઈના રેલવે કન્ટ્રોલ-રૂમમાં રવિવારે મોડી રાતે એક યુવકનો ફોન આવ્યો હતો.તેણે અંબરનાથ રેલવે સ્ટેશન પર પાકિસ્તાનથી આવેલા એક યુવાને બૉમ્બ મૂક્યો હોવાની માહિતી આપી હતી.ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે બૉમ્બ-સ્ક્વૉડ,ડૉગ-સ્ક્વૉડ,એટીએસ સ્ક્વૉડ,ક્રાઇમ યુનિટ સાથે સ્થાનિક લોકલ પોલીસના આશરે ૧૦૦ અધિકારીઓ ભરવરસાદમાં અંબરનાથ રેલવે સ્ટેશન પર બૉમ્બ શોધવામાં લાગી ગયા હતા.આખી રાત સ્ટેશન પર શોધખોળ કર્યા પછી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં કૉલ કરનારની ઊલટતપાસ કરતાં તેણે પોલીસને પરેશાન કરવા દારૂના નશામાં ફોન કર્યો હોવાની માહિતી મળી હતી.
એ પછી બન્ને પર કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાતે ૧૨.૦૫ વાગ્યો રેલવે કન્ટ્રોલ-રૂમ પર એક યુવકનો ફોન આવ્યો હતો,જેણે અંબરનાથ રેલવે સ્ટેશનના ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર એક યુવાને બૉમ્બ રાખ્યો હોવાની માહિતી આપી હતી.એ માહિતી મળતાં રેલવે બૉમ્બ-સ્ક્વૉડ,ડૉગ-સ્ક્વૉડ,એટીએસ સ્ક્વૉડ,ક્રાઇમ યુનિટ સાથે સ્થાનિક લોકલ પોલીસના આશરે ૧૦૦ અધિકારીઓ અંબરનાથ રેલવે સ્ટેશન પર શોધખોળ કરવા લાગ્યા હતા.એ પછી કૉલ કરનાર વ્યક્તિને પોલીસ અધિકારી દ્વારા ફોન કરાતાં તેણે કહ્યું હતં કે પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર એક યુવાન મને મળ્યો હતો, જેણે ગ્રે શર્ટ,બ્લુ જીન્સ પહેર્યું હતું અને મોટી દાઢી રાખી હતી.
તેના હાથમાં એક બૅગ હતી અને તેણે મને સામેથી કહ્યું હતું કે આ બૅગમાં બૉમ્બ છે.એ પછી તેણે આપેલી માહિતીના આધારે પોલીસે સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રેલવે સ્ટેશન પર તપાસ કરી હતી,પણ બૉમ્બ જેવી કોઈ ચીજ મળી આવી નહોતી.કલ્યાણ રેલવે પોલીસનાં અધિકારી અર્ચના દુશાનેએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘સવાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ અમને ન મળતાં અમે ઊંધી દિશામાં તપાસ કરી હતી, જેમાં ફરિયાદીએ વર્ણન કરેલો યુવક સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં શોધ્યો હતો.
આશરે ૪૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યા પછી પણ એવો કોઈ યુવાન દેખાયો નહોતો.છેલ્લે કળવા વિસ્તારના રહેવાસી અતુલ પ્રજાપતિ અને પ્રદીપ પ્રજાપતિની કડક પૂછપરછ કરતાં તેમણે દારૂના નશામાં પોલીસને પરેશાન કરવા માટે ફોન કર્યો હોવાની માહિતી અમને આપી હતી.બન્ને આરોપી પર પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના ગુનાનો કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.બન્ને આરોપીઓ દિવાના રહેવાસી છે.ઘટનાના દિવસે તેઓ અંબરનાથ આવ્યા હતા અને ઘરે જવાના સમયે અંબરનાથ ટ્રેન પકડીને તેમણે પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો.’