– હાલોલ નજીક જીમીરા રિસોર્ટમાં ઓબીસી-ઠાકોર સમાજની નારાજ થશે એવા ડરથી પાટીલે જ કેસરીસિંહ સોલંકી પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું
અમદાવાદ : હાલોલના શિવરાજપુર નજીક આવેલાં જીમીરા રિસોર્ટમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પોલીસે પકડી પાડયા હતાં જેથી ભાજપની રાજકીય આબરૂનુ ધોવાણ થયુ હતું.શિસ્તબધૃધ ગણાતા પક્ષ ભાજપે આ આખાય પ્રકરણમાં મૌન સેવ્યુ છે પરિણામે કમલમમાં ગણગણાટ શરૂ થયો છે.
ચર્ચા એવી છેકે, ભાજપના જ ઓબીસી મંત્રી -નેતાઓના રાજકીય દબાણ સામે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઝૂક્યા છે. આ કારણોસર ધારાસભ્ય કેસરીસિંહ સામે પક્ષીય કાર્યવાહી કરવાનુ જ માંડી વાળ્યુ છે.
શિવરાજપુર તલાવડી રોડ પર આવેલાં જીમીરા રિસોર્ટમાં દારૂ જુગારની મહેફિલની સાથોસાથ કેસીનો સ્ટાઇલથી જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી મળતા જ પોલીસે દરોડો પાડયો હતો જયાં જુગારીઓ પકડાયા હતાં જેમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હતા.આ ઘટના બાદ ભાજપની રાજકીય પ્રતિષ્ઠા સામે સવાલો સર્જાયા હતાં.
સૂત્રોના મતે, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે પક્ષીય કાર્યવાહી કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ તલપાપડ હતાં કેમ કે, આ જ કેસરીસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સાથે હાથ મિલાવી ક્રોસ વોટિંગની ફિરાકમાં હતાં પણ આ વાતની ભાજપને ગંધ આવી જતાં સમગ્ર વાત પરદો ઉઠી ગયો હતો ત્યાર બાદ કેસરીસિંહ ભાજપના રડારમાં રહ્યા છે.જોકે,કેસરીસિંહ સોલંકીએ પણ ભાજપના વગદાર ઓબીસી નેતાઓને મળી રાજકીય દબાણ ઉભુ કર્યુ હતું.
ધારાસભ્ય કેસરીસિહ સામે પક્ષીય કાર્યવાહી થાય તે પહેલાં ભાજપના જ ઓબીસી મંત્રી-નેતાઓની ગુપ્ત બેઠક યોજાઇ હતી.એટલું જ નહીં, ઓબીસી નેતાઓએ એવા સવાલો ઉઠાવ્યા હતાંકે, કેટલાંક નેતાઓ પણ આવી પ્રવૃતિ સાથે સંકળાયેલાં છે તો શા માટે પગલાં ભરતા નથી.માત્ર ઓબીસી ધારાસભ્યને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઓબીસી નેતાઓના દબાણને લીધે હાલપુરતુ ભાજપે જ આ આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધુ છે.આ બધીય રાજકીય ગતિવિધી વધતા સી.આર.પાટીલે આ મામલે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. નહિતર ઓબીસી-ઠાકોર સમાજની નારાજગી વ્હોરવી પડે તેમ છે.આ જોતાં પાટીલે ઓબીસી-ઠાકોર નેતાઓના દબાણ સામે ઝુકવા મજબુર થવુ પડયુ છે.