ન્યૂ યોર્ક, તા.૨૭ : અમેરિકાના ૫૯ વર્ષની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી પામ શ્રાઈવરે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં કહ્યું છે કે, હું ૧૭ વર્ષની હતી, ત્યારે મારા કરતાં મોટી ઉંમરના કોચ સાથે મારા સંબંધો હતા.અમારા સંબંધો પાંચ વર્ષ ચાલ્યા હતા.જોકે, હું પરિપક્વ થઈ ત્યાર બાદ હું મારા એ સંબંધોને કારણે માનસિક રીતે ખુબ જ પરેશાન થઈ હતી.શ્રાઈવરે ૧૫ વર્ષની વયે ૧૯૭૮માં પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.૨૨ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સહિત કુલ ૧૩૩ ટાઈટલ્સ જીત્યા હતા.શ્રાઈવરના કોચ ડોન કેન્ડી હતા, જે ૯૧ વર્ષની વયે ૨૦૨૦માં મૃત્યુ પામ્યા હતા.અમેરિકાની દિગ્ગજ ખેલાડી શ્રાઈવરે એમ પણ કહ્યું હતુ કે, હું આજે પણ માનું છું કે, કોચ સાથેનો પ્રથમ સંબંધ યોગ્ય નહતો.મને હવે લાગ્યું કે, મારે મારી આપવીતી જાહેર કરવી જોઈએ.જેથી કરીને મારા જેવી સ્થિતિ ધરાવતી યુવા ખેલાડીઓ કે વ્યક્તિઓ માટે નિર્ણય લેવો વધુ આસાન બને.ડોન કેન્ડી ઉંમરમાં શ્રાઈવર કરતાં ૩૩ વર્ષ મોટા હતા.૧૭ વર્ષની વયે શ્રાઈવર તેના કોચ તરફ આકર્ષાઈ હતી અને તે ૨૦ વર્ષની થઈ ત્યારે તેમની સાથે તેના શારિરીક સંબંધો પણ બંધાયા હતા.શ્રાઈવરે ઊમેર્યું કે, રમત જગતમાં આક્રમક મિજાજ સાથેનું કોચિંગ એ ચિંતાનું કારણ છે.હું ખેલાડી તરીકેની કારકિર્દી બાદ પણ રમતવિશ્વ સાથે જોડાયેલી રહી છું.જ્યારે કોઈ ખેલાડીને કોચ સાથે ડેટિંગ કરતાં કે પુરુષ ફિઝિયોને મહિલા ખેલાડી સાથે જીમમાં કામ કરતાં જોઉં છું, ત્યારે ચિંતા અનુભવું છું.
તેમણે ઊમેર્યું કે, મેં ૪૦ વર્ષ સુધી આ દર્દનાક અનુભવને મારી ભીતરમાં દબાવીને રાખ્યો હતો.હું યુવા ખેલાડીઓ, કોચિસ અને સ્પોર્ટસનું સંચાલન કરતી સંસ્થાઓને ક્યાં મર્યાદા જાળવવા તેની ખબર પડે એટલે આ ઘટના જાહેર કરી રહી છું.હું તેમને કહેવા માંગુ છું કે, મર્યાદા તોડવી કેટલી જોખમી બની શકે છે.શ્રાઈવરે કહ્યું કે, મેં મારા પિતાને કોચ સાથેના સંબંધોની વાત કરી હતી.ત્યારે મને ખુબ જ શરમ આવી હતી અને હું ગુનેગાર હોંઉ તેવી લાગણી અનુભવતી હતી.શ્રાઈવરે તેની માતાને ક્યારેય આ અંગે વાત કરી નહતી અને તેમનું અવસાન થયું, તે પછી તેણે આ અંગે ખુલાસો કર્યો છે.હાલમાં સ્પોર્ટસ કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી રહેલી શ્રાઈવરે ઊમેર્યું કે, મારા જેવા ઘણા કિસ્સાઓ મને જોવા મળી રહ્યા છે, ત્યારે હું વધુ ચિંતિત બની છું અને તેમને માર્ગદર્શન આપવા માટે આ અંગે ખુલાસો કરી રહી છું.