મુંબઈ, તા.૧૯ : ભારતના ૩૬ વર્ષીય ક્રિકેટર દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાનદાર દેખાવ કરતાં આઇપીએલમાં ઝંઝાવાત જગાવ્યો છે.દિનેશ કાર્તિકે ધમાકેદાર દેખાવ બાદ ભારતીય ટીમમાં પુનરાગમનની આશા વ્યક્ત કરી છે.જ્યારે બેંગ્લોરના સીનિયર પ્લેયર કોહલીએ પણ તેની દાવેદારીને મજબૂત ગણાવી છે.હવે ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ તેની તરફેણ કરી છે.ગાવસ્કરે કહ્યું છે કે, ભારતને ટી-૨૦ વર્લ્ડ કપ માટે એક સારા ફિનિશરની તલાશ છે અને ભારતની આ તલાશ દિનેશ કાર્તિકમાં પૂરી થઈ શકે છે.કાર્તિકે આ સિઝનમાં ધમાકેદાર દેખાવ કર્યો છે. તેણે શરૃઆતની છ મેચમાં ૨૦૯.૫૭ના સ્ટ્રાઈકરેટથી રન ફટકાર્યા હતા.જ્યારે શરૃઆતની છમાંથી પાંચ ઈનિંગમાં અણનમ રહ્યો હતો.ગાવસ્કરે કહ્યું કે, કાર્તિકે ખુદ કહ્યું છે કે, હું ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટેની આશા રાખી રહ્યો છું.મારે પસંદગીકારોને એટલું જ કહેવું છે કે, તેની ઉંમર સામે નહીં પણ પર્ફોમન્સ સામે જુઓ.તે તેના પર્ફોમન્સથી આખી મેચનું સમીકરણ બદલી રહ્યો છે.તે માત્ર ટીમ માટે જ આ કરી રહ્યો છે.મારા મતે તે ભારત માટે વર્લ્ડ કપ ટી-૨૦માં છઠ્ઠા કે સાતમા ક્રમના બેટ્સમેન તરીકે નિર્ણાયક સાબિત થઈ શકે.


