દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જમાતમાં દેશનાં 11 રાજ્યોના લોકો સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતનાં પણ અમુક લોકો દિલ્હી ગયા હોવાની માહિતી મળી છે. આ મામલે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, આ મામલે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ક્રાઈમબ્રાન્ચને આ મામલે તપાસ આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, દિલ્હીની તબલીગી જમાત મુદ્દે સીએમ લેવલે ધ્યાન દોરવામાં આવ્યું છે. તબલીગી જમાતમાં ભાવનગરના કેટલાક લોકો ગયા હોવાની માહિતી મળી છે. ભાવનગરનો છેડો ક્યાં મળે છે તેની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, તબલીગી જમાતમાંથી પરત ફરેલા 9 લોકોના કોરોનાથી મોત થયા છે. તો અનેક લોકોને કોરોના શંકાસ્પદ હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે.
આ ઉપરાંત શિવાનંદ ઝાએ કૃષ્ણનગરના પીઆઈ દ્વારા શાકભાજીની લારીઓ ઊંધીવાળી દેવા મામલે પણ પ્રતિક્રિયા આપી હતી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે,લોકડાઉનનો સમય મુશ્કેલી ભર્યો છે.પોલીસ પોતાની સારી કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.પોલીસને સંવેદનશીલ બની ફરજ બજાવવા કહ્યું છે તેમ લોકો પણ સંવેદનશીલ બને. પ્રજાની સેવાના ભાવથી નોકરી કરો. કૃષ્ણનગર જેવી ઘટના ચલાવી નહીં લેવાય. પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હીની નિજામુદ્દીન સ્થિત તબ્લીગી જમાતના મરકજનું કનેક્શન દિલ્હી સહિત 11 રાજ્યો સાથે જોડાયેલું છે. તેમાં મહારાષ્ટ્ર, અસમ, ઉતર પ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, કર્ણાટક, અંદમાન-નિકોબાર, આંધ્ર પ્રદેશ અને શ્રીનગર સામેલ છે. 1થી 15 માર્ચ દરમિયાન થયેલા આ કાર્યક્રમમાં દેશ અને વિદેશના 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. જોકે પછીથી પણ લગભગ 2000 લોકો અહીં રોકાયા હતા. જો કે પછીથી પણ લગભગ 2000 લોકો અહીં રોકાયા હતા. હવે તેમને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. રવિવારના દિવસે 200 લોકોને અહીંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, તેમાંથી 34 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. બાકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.