નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન 3.0 દરમ્યાન અનેક રાજ્યોએ દારૂની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી તો દીધી,પરંતુ અનેક શહેરોમાં આજે સવારે દારૂની દુકાનો ખૂલે એ પહેલાં જ શરાબી લોકોની લાંબી લાઇનો લાગી ગઈ હતી,જેમાં સામાજિક અંતરના નિયમનો છડેચોક ભંગ કરવામાં આવતો જોવા મળ્યો હતો. લોકો મોટી માત્રામાં દારૂની બોટલો ખરીદી રહ્યા છે.એવું લાગતું હતું કે બધા લોકો સ્ટોક કરવાની હોડમાં લાગેલા છે.
દિલ્હીમાં દારૂ લેવા માટે પડાપડી
દિલ્હીમાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવી છે.ઝોનના હિસાબે સવારે સાત વાગ્યે દુકાનો શરૂ થવાની હતી તો ક્યાંક નવ વાગ્યે દુકાનો ખૂલવાની હતી.જોકે આ દારૂની દુકાનો ખૂલે એ પહેલાં લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી ગઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. લોકો દારૂ ખરીદવા માટે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.બપોર થતાં-થતાં તો પોલીસે દુકાનો બંધ કરવાનો આદેશ જારી કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં હંગામા પછી દારૂની દુકાનો બંધ થઈ ગઈ.દારૂના ઘણા શોખીનોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. આ ઘટના પછી પોલીસ દારૂની દુકાનની બહાર તહેનાત કરવી પડી હતી.
લખનૌમાં પણ એ જ નજારો
લખનૌમાં પણ દારૂની દુકાનો પર ભારે ભીડ ઊમટી હતી.અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું સરિયામ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.લખનૌના ચારબાગ પાન દરીબા, અલીગંજ, ગોમતીનગર, મહાનગર અને ઠાકુરગંજમાં સવારથી દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી.અનેક લોકો ફેસ માસ્ક પહેર્યા વગર જ લાઈનમાં ઊભા રહ્યા હતા. લખનઉન મામા ચાર રસ્તા પર ડ્યુટીમાં લાગેલા પોલીસ કર્મચારીઓ પણ માસ્ક વગર ફરજ બજાવતા હતા.
સ્ટોક કરવા માટે લાગી હોડ
અનેક શહેરોમાં દુકાનનો સમય સવારે સાતથી 10 અથવા સાતથી 12 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.દુકાનો પર ભારે ભીડ થવાથી ધક્કામુક્કી જોવા મળી હતી. લોકો દારૂનો સ્ટોક ભરવાના પ્રયત્નો કરતા હતા.
કોઈ ગુણી લઈને તો કોઈ મોટી બેગ લઈને આવ્યું
લોકો શરાબનો સ્ટોક કરવા માટે વાઈન શોપ્સ પર મોટા થેલા લઈને પહોંચી ગયા હતા.કોઈ ગુણી લઈને પહોંચ્યું હતું તો કોઈ મોટી બેગ લઈને પહોંચ્યું હતું.લોકો ભારે માત્રામાં રૂપિયા લઈને દારૂનો સ્ટોક ભેગો કરતા નજરે ચઢ્યા હતા.