- દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બેઝલે ફગાવી દીધો છે
દિલ્હી : દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બેઝલે ફગાવી દીધો છે.દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસોની ગતિ ધીમી થતા આ પ્રસ્તાવ સીએમ અરવિંદ કેજરીવાલ તરફથી ઉપરાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો,પરંતુ એલજી અનિલ બેજલે કહ્યું છે કે,જ્યાં સુધી નવા કેસોની ગતિ પર અંકુશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધો ચાલુ રાખવાનું યોગ્ય રહેશે.
દિલ્હી સરકાર દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર અનિલ બેજલે કહ્યું કે,જ્યાં સુધી સ્થિતિ વધુ સુધરે નહીં ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રાખવા જોઈએ.જોકે,તેમણે ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરીને મંજૂરી આપી છે.
સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે,દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.આવી સ્થિતિમાં બજારોમાં ઓડ-ઈવન સિસ્ટમ દૂર કરવી જોઈએ અને વીકએન્ડ કર્ફ્યુ પણ દૂર કરવો જોઈએ.જ્યારે 50 ટકા ક્ષમતા સાથે ખાનગી ઓફિસો ખોલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ પણ હતો.એલજીએ બે દરખાસ્તોને નકારતાં ખાનગી કચેરીઓમાં 50 ટકા હાજરીનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે,દિલ્હીમાં લાદવામાં આવેલ વીકએન્ડ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી અમલમાં આવે છે અને સોમવારે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે.બીજી બાજુ,અહીં ગુરુવારે કોરોના સંક્રમણના 12,306 નવા કેસ નોંધાયા અને 43 લોકોના મોત થયા હતા.જો કે,સંક્રમણ દર ઘટીને 21.48 ટકા પર આવી ગયો છે.

