સુરત : તા.9 જુન 2022,ગુરૂવાર : દિલ્લી ગેટ ખાતે બુધવારે મોડી રાતે ટ્રાવેલ્સની ઓફીસમાં શોર્ટસર્કિટ થતાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી.ફાયર બ્રિગેટ પાસેથી મળેલી વિગત મુજબ દિલ્હી ગેટ ખાતે ઉના પાણી રોડ પર આવેલી ન્યુ સાગર ટ્રાવેલ્સ નામની ઓફિસમાં બુધવારે મોડી રાતે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.જેના લીધે ત્યાં લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ઘાંચી શેરી અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડી સાથે બહાર ફાયરજવાનો ઘટના સ્થળે ધસી ગયા હતા.જોકે ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરતા અડધોથી પોણો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે બાજુમાં આવેલી ટાયર દુકાન અને બાજુમાં આવેલી અન્ય દુકાન બચી ગઈ હતી.જ્યારે આગને લીધે ઓફીસમાં ફર્નિચર,એ.સી,પંખા,ટેબલ,ખુરશી,વાયરીંગ,જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું.આ બનાવમાં કોઇ ઈજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર બળવંતસિંહએ જણાવ્યું હતું.