ન્યુ દિલ્હી,તા.૨૬
રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા હિંસક રમખાણો માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સીધી રીતે અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે. આજે સોનિયા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, રમખાણો થયા ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા? રમખાણો વધુ થવાના છે તે સ્પષ્ટ હતું તેમ છતાંય કેમ યોગ્ય સમયે એક્શન લેવામાં ના આવ્યા?
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલા રમખાણોની જવાબદારી લઈને પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ કરતા સોનિયાએ કેજરીવાલ સરકારને પણ ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને સરકારે યોગ્ય કાર્યવાહી ન કરતા રાજધાની આ ત્રાસદીનો શિકાર કરી છે. ગત રવિવારથી અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા તેનો જવાબ આપે.
ભાજપના નેતાએ ભડકાઉ ભાષણ આપી ડર અને નફરતનો માહોલ બનાવ્યો તેવો આક્ષેપ કરતા સોનિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાએ દિલ્હી પોલીસને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે ત્રણ દિવસ પછી અમને કંઈ ના કહેશો. છેલ્લા ૭૨ કલાકમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા જાણીજોઈને કોઈ કાર્યવાહી ન કરવાને કારણે રમખાણોમાં લોકોના મોત થયા છે, અને સેકડો લોકો ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ છે.
સોનિયાએ કહ્યું હતું કે ૨૦૧૪માં મોદી સરકાર આવી ત્યારથી સર્વપક્ષીય બેઠકો થવાની જ બંધ થઈ ગઈ છે. વાજપેયી સરકારમાં દેશમાં જ્યારે પણ આવી સ્થિતિ સર્જાતી ત્યારે તેઓ તમામ પક્ષના નેતાઓનો સંપર્ક કરતા, અને તેમની સાથે મિટિંગ કરતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર નેતાઓ કોમેન્ટ કરે છે, પરંતુ જાહેરમાં આવીને કોઈ શાંતિ માટે અપીલ નથી કરતું.
કોંગ્રેસે દેશ તરફથી આ સવાલો પુછયાઃ-
૧. ગૃહમંત્રી અત્યાર સુધી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
૨. મુખ્યમંત્રી કેજરીવાલ અત્યાર સુધી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
૩. અત્યાર સુધી કંઈ માહિતી લેવાઈ અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી?
૪. દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેટલી પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી?
૫. દિલ્હીમાં જ્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી, ત્યારે એવામનાં સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ શા માટે બોલાવાઈ નથી?
દિલ્હી હિંસા માટે અમિત શાહ જવાબદાર, રાજીનામું આપે : સોનિયા ગાંધી

Leave a Comment