– ગૃહ મંત્રાલયે એક હજાર લો-ફ્લોર બસોની ખરીદીની સીબીઆઇ પાસે તપાસ કરાવવાનો આદેશ કર્યો છે
દિલ્હી : ગૃહ મંત્રાલયે દિલ્હી સરકાર દ્વારા ખરીદવામાં આવેલી ૧,૦૦૦ બસોની ખરીદીની તપાસ કરાવવાનો આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે એક હજાર લો-ફ્લોર બસોની ખરીદીની સીબીઆઇ પાસે તપાસ કરાવવાનો આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયના એડિશનલ સચિવ (કેન્દ્ર શાસિત પ્રદેશ) ગોવિંદ મોહને સીબીઆઇ તપાસની જાણકારી દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવને ૧૬ ઓગસ્ટે આપી હતી.એડિશનલ સચિવ ગોવિંદ મોહને દિલ્હીના મુખ્ય સચિવને લખ્યું કે, હું આ પત્ર દિલ્હી સરકાર દ્વારા ખરીદવામાં આવેલી ૧૦૦૦ લો-ફ્લોર બસોની ખરીદી સંદર્ભે લખી રહ્યો છું.કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના લેફ્ટિનેન્ટ ગવર્નર દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની કમેટીએ રિપોર્ટ સોંપ્યો છે.ગૃહ વિભાગે આ રિપોર્ટની સમીક્ષા કરી હતી,જે બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે થોડાક મહિના અગાઉ એક હજાર લો-ફ્લોર બસોની ખરીદીનો ઓર્ડર જાહેર કર્યો હતો.આ અંગે વિજેન્દ્ર ગુપ્તાએ એલજીને ફરિયાદ કરી હતી કે, મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ બસ સપ્લાય કરતી કંપનીને આપવામાં આવ્યો છે જે ખોટો છે.ભાજપે આરોપ લગાવ્યો હતો કે બસોની કિંમત કરતાં વધુ ખર્ચ ત્રણ વર્ષ સુધી તેમની જાળવણી પાછળ કરવામાં આવશે.જ્યારે ખરીદીની શરતો અનુસાર,આ બસોની ત્રણ વર્ષ સુધી જાળવવાની જવાબદારી સપ્લાયર કંપનીઓની હોવી જોઈએ.

