આડેઘડ વિકાસમાં કુદરતી સંપદા સાથે છેડછાડમાં વિશ્વભરના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે.તેમાં ગુજરાત પણ બાકાત રહ્યુ નથી.દમણ- દિવ સહિત ગુજરાતમાં 1,701.78 કિલોમીટર લાંબા દરિયાકાંઠામાંથી 447 કિ.મી. ક્ષેત્રમાં જમીનનું ભારે ધોવાણ થયુ છે.દરિયામાં સપાટી વધાવાને કારણે 10 મીટર સુધી પાણી સતત અંદર આવ્યુ છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનના ધોવાણને કારણે માછીમારી ઉપર થઈ રહેલા પ્રભાવ સંદર્ભે ભારત સરકારના મત્સ્યપાલન મંત્રાલયે મંગળવારે દેશભરના રાજ્યોની માહિતી જાહેર કરી હતી.જેમાં ગુજરાતમાં 447. 98 કિ.મી. લંબાઈના ક્ષેત્રમાં તટીય રેખા અર્થાત જમીનનું ભારે ધોવાણ થયાનું કહેવાયુ છે.જે કુલ દરિયાકાંઠાના 26 ટકા જેટલી લંબાઈ થાય છે.જ્યારે 333.16 કિ.મી. એટલે કે 20 ટકા ક્ષેત્રમાં દરિયો પાછો ખસ્યો છે, જમીન ખુલ્લી થઈ છે.આ સિવાયના 920.64 કિ.મી. એટલે કે 54 ટકા ક્ષેત્રમાં દરિયાકાંઠો સ્થિર રહ્યાનું રાષ્ટ્રીય તટીય અનુસંધાન કેન્દ્ર,પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વર્ષ 1990થી 2018ના રાજ્યવાર તટરેખા પરિવર્તન રિપોર્ટના આધારે કહેવાયુ છે.
ગ્લોબલ વોર્મિંગને કારણે આવેલા ઉપરોક્ત ફેરફારમાં દરિયાકાંઠાથી એકથી 10 મીટર જેટલા ક્ષેત્રમાં તટિય રેખા અર્થાત કિનારામાં વધઘટ થયાનું કહેવાય છે.આ ગણતરીએ ગુજરાતમાં ૨૨ લાખ ચોરસ મીટર જેટલી જમીનનું ધોવાણ થયુ છે જ્યારે 17 લાખ ચોરસ મીટર જમીન બહાર આવી છે.દરિયામાં પાણીની સપાટી ઓછી થવાથી બહાર આવેલી જમીનનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. જ્યારે જે જમીન ડુબમાં જાય છે તેમાં ખારાશ અને ખડકનું પ્રમાણ ઓછુ હોય છે.
સૌથી વધુ ધોવાણ ધરાવતી આઠ મુખ્ય જગ્યાના નામ
કચ્છ મુંદ્રા
ભાવનગર ઘોઘા
ભાવનગર નવા રતનપરી
ભાવનગર જસપારા માંડવા
ગીર સોમનાથ આદ્રી
ગીર સોમનાથ નવાપરા
નવસારી બોરસી
નવસારી ઓંજાલ
UNના ક્લાઇમેટ રિપોર્ટમાં ખતરનાક આગાહી: આખા વિશ્વનાં તાપમાનમાં 2040 સુધીમાં 1.5 ડિગ્રીનો વધારો થશે
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ અંગે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલો ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો રિપોર્ટ આખા વિશ્વ અને પૃથ્વી માટે ડૂમ્સડેની ખતરનાક આગાહી કરી રહ્યો છે.વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવા વિશ્વનાં અનેક દેશો નિષ્ફ્ળ જતા 2040 સુધીમાં વિશ્વનાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્શિયસનો વધારો થશે. પૃથ્વી એક તપતા ગોળામાં ફેરવાઈ જશે.આખી દુનિયામાં ગરમીમાં વધારો થશે.તાપમાન અને પૃથ્વીનાં વાતાવરણમાં આ બધાં ફેરફારો 2030થી 2052 વચ્ચે થવાના હતા પણ તે હવે એક દાયકા વહેલા એટલે કે 2040 સુધીમાં પૃથ્વીને એક ધગધગતો ગોળો બનાવી દેશે.સંયુક્ત રાષ્ટ્રનાં આ ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો રિપોર્ટ દર્શાવે છે કે 2100ની સાલ સુધીમાં આખા વિશ્વનાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્શિયસનો વધારો થશે. 66 દેશનાં 234 વૈજ્ઞાનિકોનાં તારણો પરથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
UNનો વિસ્ફોટક રિપોર્ટ
યુએનનો રિપોર્ટ આખી દુનિયા પર આવનારા ખતરનાક હીટ વેવ્ઝ, જંગલોમાં ભીષણ અને વિનાશક આગ, ભયાનક અને તબાહી મચાવનારા પૂરની આગાહી કરી રહ્યો છે. ‘કોડ રેડ ફોર હ્યુમનિટી’ સમાન આ રિપોર્ટ અનેક દેશોમાં ભારે વિનાશ વેરશે અને માનવજાત માટે ભરપાઈ કરી ન શકાય તેવું નુકસાન કરશે. માનવજાતને ન ગમે તેવું કડવું સત્ય એ છે કે માનવી દ્વારા જ આ માનવર્સિજત આફતો સર્જવામાં આવી છે જેમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ નિરંકુશ કાર્બન ઉત્સર્જનને કારણે પૃથ્વીનું તાપમાન, દરિયાનું પાણી અને જમીન ગરમ થઈ રહ્યા છે. જેને કારણે આ સદીનાં અંત સુધીમાં અનેક દેશોમાં વારંવાર હીટ વેવની ઘટનાઓ બનશે અને ભીષણ ગરમીમાં લોકો શેકાશે.દરિયામાં પાણીની સપાટીમાં 2 મીટરનો વધારો થશે જેને કારણે અનેક શહેરો દરિયામાં ગરકાવ થઈને ડૂબી જશે. ક્યાંક ભીષણ દુષ્કાળને કારણે લોકો ટપોટપ મરશે. 2050 પહેલાં આર્કટિક સપ્ટેમ્બરમાં એક વખત આઇસ ફ્રી થશે. જો કે આ બધી પ્રતિકુળતાઓ વચ્ચે હજી કેટલાક વૈજ્ઞાાનિકોને એવી આશા છે કે જો લોકો ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનને નિયંત્રણમા રાખે તો વધી રહેતા તાપમાનને સ્થિર કરી શકાય તેમ છે.
1970થી પૃથ્વીના તાપમાનમાં સતત અને ઝડપી વધારો
પૃથ્વીનાં તાપમાનમાં 1970થી સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે જેને કારણે હીટ વેવ,વાઇલ્ડફાયર અને પૂર જેવી કુદરતી આફતો સર્જાઈ રહી છે.યુરોપનાં દેશોમાં વિનાશક પૂર આવ્યા છે.અમેરિકા અને કેનેડામાં અસહ્ય હીટ વેવમાં લોકો શેકાઈ રહ્યા છે.ચીનનાં હેનાના પ્રાંતમાં આવેલા વિનાશક પૂરમાં ૧૩ મિલિયન લોકો ઘરવિહોણા થઈ ગયા છે.ગ્રીસ અને તુર્કીમાં જંગલોની આગ હજારો એકર જમીન અને શહેરોને ભસ્મિભૂત કરી રહી છે.
UNનાં રિપોર્ટનાં ખતરનાક તારણો
– માનવીય પ્રવૃત્તિને કારણે તાપમાન અને વાતાવરણ તેમજ દરિયો અને જમીન ઝડપથી ગરમ થઈ રહ્યા છે.
– છેલ્લા 2000 વર્ષમાં કલ્પના ન કરી હોય તે ઝડપે અને ગંભીર રીતે પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે.
– છેલ્લા 3 મિલિયન વર્ષમાં પહેલીવાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે.
– વાતવરણમાં મિથેન ગેસનું પ્રમાણ 8 લાખ વર્ષમાં પહેલીવાર વધ્યું છે.
– ગ્રીનહાઉસ ગેસમાં વધારો થવાથી હજારો વર્ષ પછી વાતાવરણ અને તાપમાનમાં કુદરતી ફેરફારો થઈ રહ્યા છે.
– વિશ્વનાં સરેરાશ તાપમાનમાં 1.1 ડિગ્રી સેલ્શિયસનો વધારો થયો છે.આ માટે વધુ કાર્બન ઉત્સર્જન,જંગલોનો નાશ અને ફોસિલ ફ્યૂઅલનો વધેલો વપરાશ જવાબદાર છે.
– ગ્લોબલ વોર્મિંગ અંગે માનવીની બેદરકારીને કારણે તાપમાન વધતા ભીષણ ગરમી,ભારે પૂર,દુષ્કાળ અને વાવાઝોડા વધી રહ્યા છે.
– ગ્લેશિયર ઓગળવા, સી આઇસમાં ઘટાડો થવા,સમુદ્ર ગરમ થવા માટે તેમજ દરિયાની સપાટી વધવા માટે માનવી જ જવાબદાર.
– આવતા 20 વર્ષમાં પૃથ્વીનાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્શિયસનો વધારો થશે.
– કાર્બન ઉત્સર્જન અને મિથેન ગેસમાં ઘટાડો સ્થિતિ સુધારીને તાપમાનમાં સ્થિરતા લાવી શકે છે.
UNનાં IPCC રિપોર્ટમાં ભારત માટે તબાહીનાં તારણો
– ભારતમાં ચમોલી જેવી ઘટનાઓ તબાહી મચાવશે
– તૌકતે જેવા વિનાશક વાવાઝોડા વિનાશ વેરશે
– દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને પૂર વિનાશક પુરવાર થશે
– દરિયામાં પાણીની સપાટી વધતા ભારતનાં કેટલાક શહેરો ડૂબી જશે
– હિમાલયનાં ગ્લેશિયરોમાં બરફ ઓગળશે
– દરિયાનાં પાણીમાં 50 સે.મીનો વધારો થશે તો ચેન્નઈ, કોચી, કોલકાતા, મુંબઈ, સુરત અને વિશાખાપટ્ટનમમાં 28.6 મિલિયન લોકો પૂરમાં ફસાશે. આને કારણે 4 ટ્રિલિયન ડોલર જેટલી સંપત્તિને નુકસાન થશે.
– દરિયાની સપાટીથી નીચેનાં વિસ્તારોમાં પાણીની સપાટી 1 મીટર વધશે.