ન્યુ દિલ્હી,તા.૨૫
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતની રાજધાની દિલ્હીમાં હાજરી સમયે જ સામે આવેલા એક રિપોર્ટમાં દિલ્હીને દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાનીઓમાં મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ એર ક્વોલીટી રિપોર્ટ, ૨૦૧૯ મુજબ દુનિયાના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૨૧ શહેર ભારતના છે. દિલ્હી પાસે આવેલુ ગાજિયાબાદ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં આગળ છે. જેનાથી વિપરીત ચીનની રાજધાની બેઇજિંગે ૨૦૧૯માં હવા ગુણવત્તામાં નોંધનીય સુધારો કર્યો છે. બેઇજિંગ દુનિયાના ૨૦૦ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યું છે.
ડબ્લ્યુએચઓ મુજબ હવાની ગુણવત્તા સચવાઇ રહે એ માટે પીએમ ૨.૫ વાર્ષિક ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર રહેવુ જોઇએ. ગાજિયાબાદમાં વાર્ષિક પીએમ ૨.૫ ઘનત્વ ૧૧૦.૨ રહ્યું હતું. જોકે ભારત માટે રાહતની વાત એ છે કે ૨૦૧૮ અને ૨૦૧૯ વચ્ચે દેશના ૯૮% શહેરોમાં હવાનું પ્રદૂષણ ૨૦% ઓછુ થયું છે. એમ છતા ભારતના છ શહેર દુનિયાના પહેલા ૧૦ પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. નવેમ્બર ૨૦૧૯માં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૮૦૦ને પાર થયા પછી પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી પડી હતી.
હવા ગુણવત્તાના મામલે દક્ષિણ એશિયાની સ્થિતિ સૌથી ખરાબ છે. રિપોર્ટ મુજબ સૌથી પ્રદૂષિત ૩૦ શહેરોમાં ૨૭ શહેરો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે. પાકિસ્તાનનું ગુજરાંવાલા, ફૈસલાબાદ અને રાવલપિંડી પહેલા ૧૦ પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. એર વિઝુઅલ ડેટા મુજબ દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને મિડલ ઇસ્ટ પ્રદૂષણથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. દુનિયાના ૩૫૫ શહેરોમાં આ અહીના માત્ર છ શહેરો જ એવા છે જે હવાની ગુણવત્તાને લઇને ડબ્લ્યુએચઓના વાર્ષિક લક્ષ્યને સાધે છે. દક્ષિણ એશિયામાં ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં ઘણો સુધારો નોંધાયો છે.
દુનિયાના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરો સામેલ
Leave a Comment