નવી દિલ્હી, તા. 8 : સાયબર ક્રાઇમની ઘટનાઓમાં એટલો બધો થયો છે કે તેને કારણે દુનિયાના અર્થતંત્રના જીડીપીનો એક ટકો એટલે કે એક ટ્રિલિયન ડોલર કરતાં વધારે નુકસાન થઇ રહ્યું છે. 2018માં આ નુકસાન 600 બિલિયન ડોલર હતું જે હવે વધીને લગભગ બમણું થઇ ગયું છે.
સાયબર સિક્યુરિટી ફર્મ મેકએમ્ફીએ જણાવ્યું હતું કે અમે સર્વે કરેલી બે તૃતિયાંશ કંપનીઓએ 2019માં કોઇક પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બની હતી.દર ક્રાઇમ દીઠ સરેરાશ તેમને પાંચ લાખ ડોલરનું નુકસાન થયું હતું.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ-સીએસઆઇએસ સાથે પાર્ટનર શિપમાં કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવાયું હતું કે કંપનીઓને સૌથી મોટું જોખમ બૌદ્ધિક સંપદાની ચોરી અને નાણાંકીય નુકસાન થવાનું રહે છે. 75 ટકા સાયબર ગુના આ બે બાબતોને લગતાં હતાં.
હિડન કોસ્ટ ઓફ સાયબર ક્રાઇમ નામના આ અહેવાલમાં નાણાંકીય નુકસાન ઉપરાંત અન્ય બાબતો વિશે પણ સંશોધન કરવામાં આવ્યું છે. 92 ટકા બિઝનેસીસે જણાવ્યું હતું કે તેમના ધંધા પર અન્ય નકારાત્મક અસરો પણ પડી છે. સાયબર ક્રાઇમને કારણે કામના કલાકોનું પણ નુકસાન થાય છે.
મેક એમ્ફીના ચીફ ટેક્નોલોડી ઓફિસર સ્ટિવ ગ્રોબમેને જણાવ્યું હતું કે બિઝનેસ પર થતા સાયબર એટેકનું પ્રમાણ અને તેની આક્રમક્તામાં ટેકનિક સુધરવા સાથે વધારો થશે.નવી ટેક્નોલોજીને કારણે જોખમનું પ્રમાણ વધ્યું છે અને હવે ઘરેથી કામ કરવાની ફરજ પડવાથી પણ જોખમમાં વધારો થયો છે.
સર્વે કરવામાં આવેલી કંપનીઓમાંથી 56 ટકાએ જણાવ્યું હતું કે તેઓ પાસે સાયબર ક્રાઇમ અટકાવવાની કે તેનો સામનો કરવાની કોઇ યોજના તેઓ ધરાવતા નથી. સાયબર ક્રાઇમને કારણે કંપનીઓને કામ અટકી જવાથી,બ્રાન્ડની પ્રતિષ્ઠા જોખમાવાથી અને કામની અસરકારક્તા ઘટવા જેવા બીજા નુકસાન પણ થાય છે.

