– ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીતા સમયે ક્રુએ મુસાફરને ઝડપી પાડ્યો
– મુસાફરોના જીવને જોખમમાં મુકવા બદલ ગુનો નોંધી આરોપી યાત્રી સામે એરપોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી
ફ્લાઈટમાં મુસાફરી માટેના ઘણા નિયમો રહેલા હોય છે.પરંતુ ઘણી વખત મુસફારો આ નિયમોનો ભંગ કરે છે.અને પોતાની સાથે અન્ય મુસાફરો માટે પણ મુશ્કેલી ઉભી કરતા હોય છે.આવો જ એક કિસ્સો દુબઈ થી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં નોંધાયો હતો.જેમાં ફ્લાઈટમાં યાત્રા દરમિયાન સિગરેટ પીવા પર પ્રતિબંધ હોવા છતાં એક મુસાફરે ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી.આ મુસાફરને ફ્લાઈટમાં સિગારેટ પીવી ખુબ ભારે પડી છે.પોતાની એક ભુલના કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લાભસિંગ નામનાં મુસાફર દુબઈથી અમદાવાદ આવેલી રહેલી ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા.તે દરમિયાન તેઓએ ટોયલેટમાં સિગારેટ પીધી હતી.લાભસિંગને ટોયલેટમાં સિગારેટ પીતા ફ્લાઈટ ક્રુએ ઝડપ્યો હતો.જે બાદ આ બાબતે જાણકારી મળતા જ વિમાનના સ્ટાફે તેના પર આપત્તિ વ્યક્ત કરી અને કેપ્ટનને એલર્ટ કર્યું.આરોપી યાત્રીએ પોતાની સાથે અન્ય મુસાફરોના જીવને પણ જોખમમાં મુક્યા હતા.જેને પગલે એરપોર્ટ પોલીસ દ્વારા આરોપી સામે મુસાફરોના જીવને જોખમમાં મુકવા બદલ ગુનો નોંધ્યો છે.
મહત્વનું છે કે ફ્લાઈટમાં યાત્રા દરમિયાન સિગરેટ પીવું પ્રતિબંધિત છે અને તેવું કરવું અપરાધ પણ છે.જેથી જ આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપી યાત્રી સામે કાર્યવાહી કરી છે.ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ગુનાઓ અગાઉ પણ બની ચૂક્યા છે.જેથી વારંવાર વિમાનમાં મુસાફરી કરી રહેલા બધા જ યાત્રીઓને વિમાનના નિયમો વિશે જણાવવામાં આવે છે.


