અમદાવાદ : ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે.મોરબીમાં પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે.ત્યારે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે મહત્વની માહિતી આપી છે.
યુએઈમાં ઘડાયો હતો આખો પ્લાન
તેમણે મીડિયા સંબોધનમાં માહિતી આપી કે, મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ,હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે.પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો.ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી.જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો.બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો.ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતા,જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે.દૂબઈમાં ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું આખુ કાવરતુ રચવામાં આવ્યુ હતું.આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના ઝહીર સાથે સંપર્કમાં હતા.
માલ પહેલા આફ્રિકા મોકલવાનો હતો
પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.તે પાકિસ્તાનમાં જ રહે છે અને વોન્ટેડ જાહેર કરાયો છે.અહી જબ્બાર જોડિયા જામનગરના જોડિયા ગામનો છે.તો ગુલામ ભાગડ સલાયાનો વતની છે.ત્રીજો સમસુદ્દીન છે.ઓક્ટોબર 2021 માં ડ્રગ્સની ડિલીવરી લઈને સલાયામાં રાખવામાં આવી હતી,જેના બાદ સમસુદ્દીનને સાચવવામાં આપ્યો હતો. આ માલ આફ્રિકન દેશોમાં મોકલવાનુ હતું,પણ બાદમાં પ્લાનિંગ બદલીને તેને ભારતમાં ડિલીવર કરાયો હતો.ગુલામ બાગડના પણ આંતરારાષ્ટ્રીય તાર જોડાયેલા છે.
ઝીંઝુડામાં દોરા ધાગાનું કામ કરતો હતો સમસુદ્દીન
કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ 1800 લોકોની વસ્તુ ધરાવતુ ઝીંઝુડા ગામ ચર્ચામાં આવ્યું છે.આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતન છે.ગામના સરપંચના કહેવા પ્રમાણે ગામમાં આરોપી સમસુદ્દીન દોરા ધાગાનું કામ કરતો હતો.સમસુદ્દીનના ઘરે જામનગર,રાજકોટ,વાંકાનેર,મોરબી સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરમાંથી લોકો આવતા હતા.સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના મિયાખીજડિયા ગામનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વરસથી ઝીંઝુડા ગામે રહેવા માટે આવ્યો હતો.તેના પિતા હુસેનમિયા સૈયદનું કોરોનામાં મોત થતા માતા સાથે ઝીંઝુડા રહેવા આવ્યો હતો.ઝીંઝુડા ગામમાં દોરા ધાગા કરતો હોવાથી અનેક લોકો મળવા આવતા હતા.
ડ્રગ્સની હેરાફેરી માટે ભારતના માછીમારોને તૈયાર કરે છે પાકિસ્તાન
માછીમારોને પાકિસ્તાન મરીને એજન્સી પકડીને લઈ જવાય છે.જ્યાં તેમનુ બ્રેઈન વોશ કરવામાં આવે છે.તેઓને ડ્રગ્સ ઘૂસાડવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે.જેથી તેઓ ડ્રગ્સના પેડલર બની જાય છે.
ગુજરાતમાં ક્યાંથી ઘૂસ છે ડ્રગ્સ?
ગુજરાત પાસે છે 1600 કિમી લાંબો દરિયા કિનારો છે.સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે.અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે.ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ છે.જમીની સરહદનો પહેરો ઝડબેસલાક છે એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે.ગુજરાતના 14 પોર્ટ કાર્ગો સંચાલિત છે.પોર્ટ પર આવતા તમામ સામાનની ઉંડાણથી તપાસ શક્ય નથી. જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબ અપનાવે છે.ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે.ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે.ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલે છે.
કેમ ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટમાં ગુજરાત?
ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે.ગુજરાતના નાર્કો ટેરેરિઝમ ફેલાવવાનો પ્રયાસ પાકિસ્તાન કરે છે.પાકિસ્તાને ભારત સાથે આ પ્રકારે પ્રોક્સીવાર શરૂ કર્યું છે.ગુજરાતમાં ડ્રગ્સ ઉતારી યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ કરાય છે.ગુજરાતમાંથી સરળતાથી અન્ય રાજ્યોમાં માલ સપ્લાય કરી શકાય છે.જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે માફિયાઓની ચાલ ચાલે તેમ નથી.આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને બદનામ કરવાનું અને દેશના વિકાસને રુંધવાનો પાકિસ્તાનનું ષડયંત્ર છે.


